ગુજરાતનું ગૌરવ:ગોવાને ટક્કર આપતો એશિયાનો બીજા નંબરનો શિવરાજપુર બીચ ભારતનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ, કાચ જેવા ચોખ્ખા પાણીથી દરિયાઈ જીવસૃષ્ટિનો અનોખો નજારો

દ્વારકા2 વર્ષ પહેલા
દ્વારકાથી 10 કિમીના અંતરે આવેલો શિવરાજપુર બીચ દેશનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ બન્યો. - Divya Bhaskar
દ્વારકાથી 10 કિમીના અંતરે આવેલો શિવરાજપુર બીચ દેશનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ બન્યો.
  • શિવરાજપુર બીચને ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું
  • બીચ પર જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધા, સ્થાનિક લોકોને રોજગારીની તકો બહોળા પ્રમાણમાં મળશે

દ્વારકાથી 10 કિલોમીટરના અંતરે આવલા શિવરાજપુર બીચને ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ગોવાને પણ ટક્કર મારે એવો શિવરાજપુર બીચ એશિયાનો બીજા નંબરનો બીચ છે. આ બીચનો દરિયાઈકાંઠો લાંબો છે અને ક્રિસ્ટલ ક્લિયર પાણીથી દરિયાઈ જીવસૃષ્ટિનો અનોખો નજારો જોવા મળે છે.

આકર્ષક ગેટથી જ સહેલાણીઓનું સ્વાગત થાય છે.
આકર્ષક ગેટથી જ સહેલાણીઓનું સ્વાગત થાય છે.

વિશ્વમાં 76 બીચમાં શિવરાજપુર બીચનો સમાવેશ
ચારધામમાં એક ધામ સુપ્રસિદ્ધ દ્વારકા નજીક શિવરાજપુરના સમુદ્રકિનારે વિશાળ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બ્લુ ફ્લેગ બીચ વિકસ્યો છે. અહીં પર્યટકો વિશ્રામ કરીને દરિયાઈ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે. ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ-ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શિવરાજપુરના દરિયાની પસંદગી કરવામાં આવી હતી. વિશ્વમાં 76મા અને એશિયાના બીજા બીચ તરીકે દ્વારકાના શિવરાજપુર બીચની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી હતી.

દરિયાકાંઠા પર સહેલાણીઓને બેસવા માટે લાકડાંની ખુરશીઓ.
દરિયાકાંઠા પર સહેલાણીઓને બેસવા માટે લાકડાંની ખુરશીઓ.

શિવરાજપુર બીચ પર આવેલી વિવિધ સુવિધાઓ
શિવરાજપુર બીચમાં વિશાળ સમુદ્રકિનારો આવેલો છે, સાથે સાથે મનભરીને બોટિંગ, સ્કુબા ડાઇવિંગ, દરિયાના છીંછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડિંગ, સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ જેવી સુવિધાઓ બીચ પર તૈયાર કરવામાં આવી છે. બીચ પર ટોઇલેટ, બાથરૂમ, જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે સહિતની સુવિધા વિકસાવવામાં આવી છે. વન અને પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા દ્વારકાના શિજરાજપુરની પસંદગી કરવામાં આવી છે. બીચ ઓથોરિટી દ્વારા માન્ય કરાયેલા માપદંડો અનુસાર, બ્લુ ફ્લેગ બીચ એ આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ છે, જે શિવરાજપુરને આપવામાં આવ્યું છે.

શાંત દરિયો અને શુદ્ધ પર્યાવરણને કારણે બીચની સુંદરતામાં વધારો થાય છે.
શાંત દરિયો અને શુદ્ધ પર્યાવરણને કારણે બીચની સુંદરતામાં વધારો થાય છે.

ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ બીચ વિકસાવવા મુખ્યમંત્રીએ ટૂરિઝમ વિભાગને આદેશ કર્યો હતો
ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. આટલો લાંબો દરિયાકિનારો હોવા છતાં ગુજરાત પાસે અન્ય રાજ્યોની જેમ બીચ ડેસ્ટિનેશન નથી. ગુજરાતમાં ગોવા કે બાલી જેવા ટૂરિઝમ બીચ નથી કે જેને કારણે પ્રવાસીઓને આકર્ષી શકાય. આટલા લાંબા દરિયાકિનારાનો લાભ લેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ દરિયાકાંઠાનો અભ્યાસ કરવા અને ક્યાં બીચને વર્લ્ડ ક્લાસ ડેવલપ કરી શકાય એમ છે એનો ડિટેઇલ રિપોર્ટ સોંપવા રાજ્યના ટૂરિઝમ વિભાગને આદેશ કર્યો હતો, જે અંતર્ગત દ્વારકા પાસેના શિવરાજપુરની પસંદગી થઈ હતી, જેથી હવે ગોવાને પણ ટક્કર આપે એ રીતે શિવરાજપુર બીચનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવા માટે સહેલાણીઓ ઊમટે છે.
દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવા માટે સહેલાણીઓ ઊમટે છે.

શિવરાજપુરની પસંદગી પાછળનાં વિશેષ કારણો
-શિવરાજપુરનો દરિયાકાંઠો સુરક્ષિત છે.
-કાંઠાની લંબાઈ વધુ છે.
-ક્રિસ્ટલ ક્લિયર પાણી છે.
-પોલ્યુશન ફ્રી દરિયાકાંઠો છે.

બાળકો માટે રમતગમતનાં સાધનોની પણ સુવિધા.
બાળકો માટે રમતગમતનાં સાધનોની પણ સુવિધા.

બ્લુ ફ્લેગ બીચનું સર્ટિફિકેટ મેળવવા માટે 32 ક્રાઇટ એરિયા
ગુજરાત ઇકોલોજી કમિશનના અધિકારીએ જણાવ્યું હતું કે બ્લુ ફ્લેગ બીચ એક સર્ટિફાઇડ પ્રોગ્રામ છે, જેમાં નક્કી થાય છે કે બીચ પૂર્ણ રૂપે સાફ અને સુરક્ષિત હોય તથા લોકોને પૂરતી સુવિધા મળી રહે, જેના કુલ 32 ક્રાઇટ એરિયા હોય છે, જે પૂર્ણ થતાં એની દરખાસ્ત મૂકવામાં આવે છે. આ માટે 32 જેટલાં પેરામીટર હોય છે અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ નક્કી કરતી હોય છે. ત્યાર બાદ એ સ્થાનને બ્લુ ફ્લેગ બીચની માન્યતા પ્રાપ્ત થાય છે. બ્લુ ફ્લેગ એ આંતરરાષ્ટ્રીય એનજીઓ છે, જે સંસ્થાના પેરામીટર નક્કી કરે છે કે જે-તે સ્થળ સુરક્ષિત, સુંદર કેવું છે. આ એનજીઓના કુલ 32 પેરામીટર છે, જેના પર ખરા ઊતર્યા બાદ આ એનજીઓમાં દરખાસ્ત મૂકવામાં આવે છે. ચકાસણી બાદ ત્યાં બ્લુ ફ્લેગ લગાડી માન્યતા અપાય છે.

શિવરાજપુર બીચ પર લેવામાં આવતી ફીનું બેનર પણ લગાવવામાં આવ્યું છે.
શિવરાજપુર બીચ પર લેવામાં આવતી ફીનું બેનર પણ લગાવવામાં આવ્યું છે.

શિવરાજપુર બીચ પર સ્થાનિક રોજગારી વધશે
દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ આંતરરાષ્ટ્રીય કક્ષાનું જાહેર થતાં દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં પર્યટકો આવી પહોંચશે અને સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારીની તકો બહોળા પ્રમાણમાં મળશે.

વિશાળ દરિયાકાંઠાને કારણે શિવરાજપુર બીચ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
વિશાળ દરિયાકાંઠાને કારણે શિવરાજપુર બીચ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

શિવરાજપુર બીચ પર કંઈ રીતે પહોંચી શકાય
દ્વારકાથી શિવરાજપુર આશરે 10 કિમીના અંતરે આવેલું છે અને ઓખાના મુખ્ય માર્ગ પર આવેલું છે. આ બીચ પર જવા માટે દ્વારકાથી ટ્રાવેલ્સ અને છકડામાં જઇ શકાય છે. ઓખાના મુખ્ય હાઇવે પરથી એક કિલોમીટર દૂર સમુદ્રકિનારે બીચ આવેલો છે.

દરિયાનું કાચ જેવું ચોખ્ખું પાણી બીચની સુંદરતામાં વધારો કરે છે.
દરિયાનું કાચ જેવું ચોખ્ખું પાણી બીચની સુંદરતામાં વધારો કરે છે.