વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ તેમજ સોશિયલ મીડિયાનો દુરુપયોગ થતો અટકે તે માટે રાજકોટ સાયબર ક્રાઇમ સતર્ક બની છે. ચૂંટણી સંદર્ભે સાયબર ક્રાઇમ દ્વારા ખાસ કરી કોઈ ખોટી અફવાઓ, ખોટા મેસેજ તેમજ ખોટા સમાચાર વાઇરલ ન થાય તે માટે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. આ માટે કંટ્રોલ રૂમ પર ખાસ વોચ ગોઠવવામાં આવી રહી છે. જેમાં એક PSI અને 5 કોન્સ્ટેબલ રાઉન્ડ ધ ક્લોક મોનિટરીંગ કરી રહ્યા છે.
24 કલાક પોલીસની બાઝ નજર રહેશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચાર સંહિતા અમલમાં આવી ચૂકી છે. સોશિયલ મીડિયાના આ યુગમાં લોકો કોઈ પણ સમાચાર કે પોસ્ટનું તથ્ય જાણ્યા વિના પોસ્ટ વાઇરલ ન કરે તે માટે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. આજનો યુવા વર્ગ ઉત્સાહમાં આવીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ડોહળાઇ તેવા ફેક મેસેજ અન્ય ગ્રુપમાં ફોરવર્ડ ન કરે તે માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઇ છે અને સતત 24 કલાક પોલીસ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાઝ નજર રાખી રહી છે.
ચૂંટણીને લઈ સ્પેશિયલ સ્ક્વોડ કાર્યરત
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ચૂંટણી સંદર્ભે સ્પેશિયલ સ્કોડ કાર્યરત છે. જેમાં એક PSI તેમજ 5 કોન્સ્ટેબલ રાઉન્ડ ધ ક્લોક સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ મોનિટરિંગ કરી રહ્યા છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી ACP વિશાલ રબારી અને સમગ્ર ટીમ સોશિયલ મીડિયા પર પોસ્ટ થતી તમામ રાજકીય પોસ્ટ પર બાઝ નજર રાખી રહી છે. લોક પ્રતિનિધિત્વ ધારા 1956 હેઠળ ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતામા બાધારૂપ કોઈ પણ કાર્યને સખ્ત હાથે ડામી દેવાની જોગવાઈ હોય જે સંદર્ભે પણ હાલમાં સૌથી ચકચાર ફેલાવતી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર તમામ લોકોએ તકેદારી રાખવી જરૂરી બની છે.
આવા મેસેજ કરતા પહેલા ચેતજો
રાજકોટ સાયબર ક્રાઇમના ACP વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ અમે સતર્ક બની સતત સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાઝ નજર રાખી રહ્યા છીએ. કોઈ પણ પક્ષ જ્ઞાતિ-જાતિ વિશે અફવાઓ તેમજ ખોટી માહિતી વાઇરલ ન કરે તેના પર વોચ રાખવામાં આવી રહી છે. ચૂંટણી સંદર્ભે સાયબર ક્રાઇમમાં સોશિયલ મીડિયાની એક મોનિટરીંગ ટીમની નિમણૂક કરવામાં આવી છે.
બિનજરૂરી ફેક મેસેજીસ ફોરવર્ડ ન કરશો
વિશાલ રબારીએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉથી સાયબર ક્રાઇમની ટીમ પણ સતત કાર્યરત છે ત્યારે બન્ને ટીમ સાથે મળીને કામ કરી રહી છે. વોટ્સએપ પર ફેક મેસેજ મૂકનાર વ્યક્તિઓ વિશે વાત કરતા ACP રબારીએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના ઘણા જજમેન્ટ એવા આવેલા છે કે, વોટ્સએપમાં ગ્રુપ એડમિન સાથે હવે ફેક પોસ્ટ મૂકનારની પણ જવાબદારી ફિક્સ થાય છે તો વોટ્સએપ ગ્રુપમાં બિનજરૂરી ફેક મેસેજીસ ફોરવર્ડ ન કરશો તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.