નવી મગફળીની આવકના શ્રીગણેશ:રાજકોટ માર્કેટ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળીની આવક, વાહનોના થપ્પા લાગ્યા, યાર્ડ બહાર એક કિમી લાંબી લાઈન

રાજકોટએક દિવસ પહેલા
રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા.
  • કાલે વિજયા દશમીના તહેવારે પણ યાર્ડ ખુલ્લુ રહેશે

રાજકોટ માર્કેટ યાર્ડમાં ફરી મગફળીની મબલક આવક શરૂ થઈ છે. આજે સાંજે 4 વાગ્યાથી મગફળીની આવક શરૂ કરી આવતીકાલે સવારે 9 વાગ્યે રાબેતા મુજબ મગફળી હરાજી કરવામાં આવનાર છે. જેમાં આજે અંદાજે એક લાખ ગુણીની આવક થઇ છે. સવારથી ખેડૂતો મગફળી લઇ પહોંચી જતા એક કિલોમીટર લાંબી લાઈન યાર્ડની બહાર રસ્તા પર જોવા મળી હતી.

કાલે 9 વાગ્યાથી હરાજી કરવામાં આવશે
સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે મગફળીના પાકને વધુ નુકસાન ન થાય તેની બીકે ખેડૂતો પોતાનો પાક લઇ માર્કેટ યાર્ડ ખાતે વેચવા માટે આવી રહ્યા છે. આજે સાંજે 4 વાગ્યાથી આવક શરૂ થઇ છે ત્યારે વહેલી સવારથી જ ખેડૂતો પોતાની મગફળી લઇ યાર્ડ પહોંચી જતા યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગી છે. આવતીકાલથી સવારે 9 વાગ્યે મગફળીની હરાજી થવાની છે ત્યારે પ્રથમ હરાજીમાં એક લાખ ગુણી આવકનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

યાર્ડમાં મગફળીના ઢગલા કરવામાં આવ્યા.
યાર્ડમાં મગફળીના ઢગલા કરવામાં આવ્યા.

ખેડૂતોને પુરતા ભાવ મળી રહેશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવરાત્રિ પૂર્વે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતા હતા. હવે આવક વધી છે માટે થોડો ભાવમાં ઘટાડો જરૂર જોવા મળશે. પરંતુ પુરતો ભાવ મળી રહેશે એ વાત નિશ્ચિત છે. આ ઉપરાંત મગફળી સાથે સાથે કપાસની પણ સારી આવક થઇ છે. ત્યારે કપાસમાં પણ પુરતા ભાવ મળી રહેશે માટે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છેકે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ ચાલી રહી છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાના ખેડૂતો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.

યાર્ડમાં મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા.
યાર્ડમાં મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા.
અન્ય સમાચારો પણ છે...