કરદાતા સ્માર્ટ બન્યા:રાજકોટ મ્યુનિ.ની એડવાન્સ ટેક્સ વળતર યોજનાનો લાભ લઇ 1 લાખ લોકોએ 45 કરોડ મિલકત વેરો ભર્યો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઈલ તસવીર.
  • રોકડથી 19 કરોડ અને ચેકથી 8.82 કરોડ વેરાની આવક

રાજકોટ મનપાએ ગત વર્ષે એપ્રિલથી એડવાન્સ વેરા વળતર યોજના શરૂ કરી હતી. જે બે મહિના જ લાગુ પડે છે. આ વર્ષે પણ 7 એપ્રિલથી શરૂ થયેલી આ યોજનાનો લાભ લઈ 1 લાખ લોકોએ 45 કરોડનો મિલકત વેરો એડવાન્સમાં જ ભરી મનપાની તિજોરી છલકાવી દીધી છે. આજે બપોર સુધીમાં વેરાની આવક 73 કરોડ નજીક પહોંચી ગઈ છે. આજે સરકારી રજા છે, પરંતુ હવે ઓનલાઇન વેરો તો કાયમ અને 24 કલાક ભરી શકાતો હોય લોકો ઘરે કે ઓફિસે બેઠા નિરાંતે ટેક્સ ભરે છે. એટલે જ 73 કરોડ જેવી આવકમાં 45 કરોડની આવક તો વેબસાઇટ પર મનપાને થઇ ગઇ છે.

આ યોજનામાં ટેક્સ ભરવાથી રૂ.250નું વળતર મળે છે
આ યોજનામાં ટેક્સ ભરવાથી રૂ.250 સુધીનું વળતર પણ મળે છે તે નોંધનીય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલના પહેલા મહિનામાં એડવાન્સ વેરા વળતર યોજના શરૂ થઇ હતી. કોરોના કાળના બે વર્ષ બાદ આ વખતે કોર્પોરેશને પુરૂષ અને મહિલા કરદાતાને 10 અને 15 ટકા ઉપરાંત વધુ 1-1 ટકા રાહત આપી છે. દિવ્યાંગોને 5 ટકા વળતર આપવા શાસકોએ નિર્ણય લીધો હતો. આ અંતર્ગત દર વર્ષની જેમ રાબેતા મુજબ પ્રમાણિક કરદાતા ટેક્સ ચૂકવશે તેવો તંત્રને વિશ્વાસ હતો. પરંતુ એડવાન્સ વેરો ભરનારા લોકોની સંખ્યા બમણા સુધી વધતા તંત્રને પણ સુખદ આંચકો લાગ્યો છે.

કરદાતાઓ હવે ડિજીટલ યુગમાં વધુ સ્માર્ટ બન્યા
ટેક્સ શાખાના સુત્રોએ આપેલી માહિતી મુજબ આજે 3 મે સુધીમાં કોર્પોરેશનમાં 1.43 લાખ કરદાતાએ એડવાન્સ વેરો ભરી દીધો છે. જે સામે 72.72 કરોડની આવક થઇ છે. પુરૂષ-મહિલા-દિવ્યાંગ કેટેગરીમાં પાત્રતા મુજબ વળતર પણ આપવામાં આવી રહ્યું છે. રાજકોટના કરદાતાઓ હવે ડિજીટલ યુગમાં વધુ સ્માર્ટ બન્યા છે તે ફરી દેખાયું છે. કારણ કે કુલ 72.72 કરોડની આવકમાં 44.89 કરોડની આવક તો વેબસાઇટ પર કાર્ડના રસ્તે થઇ ગઇ છે.

રાજકોટમાં કુલ 5.20 લાખ કરદાતાઓ
વેરો ચૂકવનારા 5.20 લાખ પૈકી 1.43 લાખ નાગરિકોમાંથી 92,079 કરદાતાએ ઓનલાઇન વેરો ભર્યો છે. કચેરીએ જઇને વેરો ભરવામાં સૌથી વધુ 33,295 લોકોએ વોર્ડ ઓફિસે જઇને ટેક્સ જમા કરાવ્યો છે. બાદમાં સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 4724 લોકોએ કર ચૂકવ્યો છે. અત્યાર સુધીમાં થયેલી કુલ આવકમાં રોકડથી 19 કરોડની આવક થઇ છે. તો 8.82 કરોડની આવક ચેક મારફત મહાપાલિકાને થઇ છે.

હજુ આખા મે મહિના સુધી એડવાન્સ ટેક્સ ભરી શકાશે
કોર્પોરેશનની આર્થિક હાલત છેલ્લા વર્ષોમાં ધીમે ધીમે વધુ કથળી રહી છે. છેલ્લે તો લોન લેવા માટે પણ રાજ્ય સરકારની મંજૂરી માગવામાં આવી છે. તેવામાં મે મહિનાના પ્રારંભે જ 72 કરોડની આવક થઇ જતા મનપાના રોજિંદા મહેસુલી ખર્ચ કાઢવામાં મોટો ટેકો મળી રહે તેમ છે. કરદાતાઓનો ઉત્સાહ આટલો જ જળવાય રહે તો મે મહિનાના છેલ્લા દિવસ સુધીમાં આવકના વિક્રમ તૂટે તેમ છે. હજુ પુરો મે મહિનો આ વળતર યોજનાનો લાભ મળવાનો છે. બાદમાં જુન મહિનામાં પુરૂષ કરદાતાને 5 ટકા અને મહિલા કરદાતાને 10 ટકા વળતર દર વર્ષની જેમ મળી શકશે તે ઉલ્લેખનીય છે.