ક્રાઇમ:1 લાખ વ્યાજ સાથે ચૂકવવાનું કહી વેપારીનું અપહરણ કર્યું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફ્રૂટના વેપારીએ ત્રણ શખ્સ સામે નોંધાવી ફરિયાદ

શહેરના યુનિવર્સિટી રોડ, જ્યોતિનગરમાં રહેતા ફ્રૂટના વેપારી પંકજભાઇ ઉકાભાઇ રાજાઇ નામના યુવાને ભાવનગરના રૂષિરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ અને બે અજાણ્યા શખ્સે ઉઘરાણી મુદ્દે અપહરણ કરી માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવાને નોંધાવેલી ફરિયાદમાં તે સાધુવાસવાણી રોડ પર આવેલી શાક માર્કેટમાં ફ્રૂટનો વેપાર કરે છે. જ્યારે આરોપી રૂષિરાજ સાથે 2008થી ધંધાકીય વ્યવહાર છે. દરમિયાન કેરીની સિઝનમાં રૂષિરાજ પાસેથી કેરીનો જથ્થો મગાવ્યો હતો.

જે કેરીના રૂ.1 લાખની રકમ ચૂકવવાની બાકી હોય મંગળવારે રૂષિરાજ તેમજ અજાણ્યા બે શખ્સ કારમાં શાક માર્કેટ આવી પોતાને બળજબરીથી કારમાં અપહરણ કરી લઇ ગયા હતા. બાદમાં પોતાને પુનિતનગર પાસે એક ગેરેજમાં લઇ ગયા હતા. જ્યાં રૂષિરાજે તારે જે એક લાખ ચૂકવવાના છે તે વ્યાજ સહિત આપવા પડશે તેમ કહી ત્રણેય આરોપી સળિયા સાથે તૂટી પડ્યા હતા. તક મળતા પોતે ત્યાંથી ભાગ્યો હતો. પરંતુ ત્રણેય આરોપીએ ફરી ઝડપી લઇ માર મારી વ્યાજ સાથે રૂપિયા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. મારને કારણે પોતાને ઇજા થતા સારવાર લેવી પડી હતી. બાદમાં ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી રોડ પોલીસમથકના પીએસઆઇ એ.બી.વોરાએ ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

મારામારીનો અન્ય એક બનાવ રૈયાધાર, ધરમનગરમાં બન્યો હતો. રૈયાધારમાં રહેતા દેવાંગ વિશ્વાસભાઇ મુલિયાણા નામના યુવાનને કાના સુરા ડેરીવાળા, દેવો, નવઘણે છરી-ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. અગાઉ મિત્રને આરોપી કાના સાથે માથાકૂટ થઇ હતી. જેનું સમાધાન કરવા ધરમનગરમાં બોલાવી હુમલો કર્યો હતો. યુનિવર્સિટી રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...