હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લમ્પી વાયરસને કારણે પશુઓના મોત થઈ રહ્યા છે. ત્યારે ગઇકાલે રાજકોટના માલિયાસણ ગામ પાસે ગાય, ગૌવંશ અને વાછરડાના મૃતદેહોના ઢગલા જોવા મળ્યા હતા. જોકે આ મામલે દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ પર પહોંચી માલિયાસણ ગામના લોકોની પરેશાનીનો અહેવાલ પસિદ્ધ કરતા આજે રાજકોટ મનપા એક્શન મોડમાં જોવા મળી છે. આજે ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહે આ સ્થળે 1 જેસીબી, વિજિલન્સની ટીમ અને 1 સેનેટરી ઇન્સ્પેક્ટરને હાજર રહેવા સુચના આપી છે. જેથી મૃત પશુઓની દફનવિધિ સમયસર થઈ શકે.
આ રાજકોટ મ્યુનિ.ની મૃત પશુઓના નિકાલની સાઈટ છે
ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહે જણાવ્યું હતું કે, હાલ લમ્પી વાયરસને લઈને ગાયોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે તે સંદર્ભે પર્યાવરણ વિભાગ અને ડેપ્યુટી કમિશનરને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની માલિયાસણ અને સોખડા ગામ પાસે જે મૃત પશુઓના નિકાલ માટેની સાઈટ આવેલી છે ત્યાં તાત્કાલિક જ મૃત પશુઓની દફનવિધિ તાત્કાલિક ધોરણે થાય તેવી સૂચના આપવામાં આવી છે. સાથોસાથ આ રોગચાળો ફેલાય નહીં તે માટે મૃત પશુઓને દફન કરવામાં આવે. મૃત પશુઓની દફન વિધિ મીઠા સાથે કરવામાં આવશે. આજથી જ એક એસઆઇ, વિજિલન્સની ટીમ અને એક જેસીબીને રાખવામાં આવ્યા છે. જેથી મૃત પશુ આવે એટલે તેની દફનવિધિ કરી શકાય.
માલિયાસણ ગામના લોકોમાં ભયનો માહોલ હતો
સ્થાનિકો લોકોના જણાવ્યા મુજબ લમ્પી વાયરસથી 200 ગાયના મૃતદેહ અહીં આવ્યા છે. રાજકોટ મનપાએ જ આ જગ્યા પશુઓના પશુઓના મૃતદેહો માટે ફાળવી છે. પરંતુ મનપાની ટીમ અને અન્ય લોકો મૃતદેહોની દફનવિધિ કરવાને બદલે એમ ને એમ મૂકીને જતા રહે છે. ગઈકાલે જ મનપાની ટીમ દોડી ગઈ હતી અને જેસીબીની મદદથી ઊંડા ખાડા કરી ગાય, ગૌવંશ, વાછરડાના મૃતદેહોને દફનાવ્યા હતા. આ જગ્યાથી માલિયાસણ ગામ અડધો કિલોમીટર જ દૂર છે. ગામમાં 12000ની વસ્તી છે.
રાજકોટમાં ગૌવંશના મૃત્યુમાં જુલાઈમાં 300 ટકાનો વધારો
રાજકોટમાં જુલાઈ મહિનામાં ગૌવંશ સહિત પ્રાણીના મૃત્યુનું પ્રમાણ સત્તાવાર આંકડા મુજબ 300 ટકા વધી ગયું છે. મનપાના સુત્રોએ આ મૃત્યુ પ્રમાણ વધવા માટે આ મહિનામાં જ ભારે વરસાદના પગલે બીમારીનું કારણ આપ્યું છે. બીજી તરફ માલધારીઓએ 100થી વધુ પશુના મૃત્યુ લમ્પી વાયરસથી થયાનું જણાવી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં પશુના મૃત્યુનું પ્રમાણ વધતુ હોય છે. પરંતુ આ વખતે મોટા પ્રમાણમાં પશુઓ મોતને ભેટી રહ્યા છે. જુલાઈ મહિનામાં પશુના મૃત્યુમાં 300 ટકાનો વધારો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.