16 આની વરસાદ:રાજકોટમાં બપોરે 12 થી 1 વચ્ચે દર 15 મિનિટે 1 ઈંચ વરસાદ 1115ને સલામત સ્થળે ખસેડાયા : 334 ને ડૂબતા બચાવાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શેરીઓ સ્વિમિંગ પૂલ બની, દોરડાથી લોકોએ એકબીજાના જીવ બચાવ્યા. - Divya Bhaskar
શેરીઓ સ્વિમિંગ પૂલ બની, દોરડાથી લોકોએ એકબીજાના જીવ બચાવ્યા.
  • શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી
  • રાજકોટમાં 24 સ્થળે પાણી ભરાઈ ગયા
  • ધસમસતા પૂરમાં તણાતા 12 વાહનો બહાર કાઢ્યા
  • તંત્રની 19 ટીમે શહેરભરમાં બચાવકાર્ય હાથ ધર્યુ

રાજકોટમાં રવિવાર મોડી રાતથી સોમવારે રાત્રે 11.00 સુધીમાં એટલે કે 24 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસી ગયો હતો. સતત વરસાદને કારણે રાજકોટ શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં 1115 લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી બહાર કાઢીને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પાણીમાં ફસાયેલા 334 વ્યક્તિ અને 12 વાહન બચાવાયા, 27 વાહન, 19 ટીમની મદદથી શહેરભરમાં રેસ્ક્યૂ કરાયું હતું.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ લો-પ્રેશર, મોન્સૂન ટ્રફ અને ડિપ્રેશનને કારણે એક દિવસમાં આખો દિવસ વરસાદ રહ્યો હતો. હજુ શુક્રવાર સુધી સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. જેમાં 15 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે જામનગર અને દ્વારકાને રેડ ઝોન જાહેર કર્યા છે. સોમવારે આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં વરસાદનું જોર બપોરે 12.00 થી 1.00 માં રહ્યું હતું. આ એક કલાક દરમિયાન 4.50 ઈંચ વરસાદ વરસ્યો હતો. એ ગણતરીએ દર 15 મિનિટે 1 ઈંચ વરસાદ થયો હતો.

સોમવારે સતત વરસાદને કારણે એવરેસ્ટપાર્ક, ગુરુજીનગર, મારવાડીવાસ, ગોપાલ ચોક, વાવડી લક્ષ્મીનો ઢોરો, મિલેનિયમ સામે, ભીમનગર ચોક, બાપા સીતારામ ચોક, ઈન્દિરા મફતિયાપરા, અમીધારા, સતાધારપાર્ક, લાખનો બંગલો, અક્ષરનગર, મક્કમ ચોક, પરસાણાનગર, ગાયત્રીધામ સોસાયટી, ગોંડલ રોડ, એકતા સોસાયટી, અંબિકા સોસાયટી કોઠારિયા સહિત કુલ 24 સ્થળે પાણી ભરાઈ ગયા હતા. ફરિયાદ મળતા ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને મજૂર, ટ્રેક્ટર અને જેસીબીની મદદથી પાણીનો નિકાલ કર્યો હતો. જે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તેને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારના ઘર અને કારખાનામાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને માલ-સામાન પલળી ગયા હતા.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ સોમવારે દક્ષિણ ગુજરાત પર લો-પ્રેશર હતું. આ સિવાય સુરત પરથી મોન્સૂન ટ્રફ પસાર થયું હતું. તેમજ ડિપ્રેશન સર્જાયું હતું. જે ઓરિસ્સાના દરિયાકિનારે હતું અને તે ઉત્તર- પશ્ચિમ દિશામાં આગળ વધતું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ડિપ્રેશન ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. અને તેની અસર 2 દિવસ પછી વર્તાશે. જેને કારણે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. જ્યારે એકાદ- બે વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આજી નદી કાંઠાના વિસ્તારમાં પાણીના ધસમસતા પ્રવાહને કારણે ઘરમાં પાણી ઘૂસી જતાં લોકો બહાર નીકળી ગયા હતા, પરંતુ પાણીના પ્રવાહને કારણે ઊભું રહેવું મુશ્કેલ હતું, તંત્ર પહોંચે અને ઉગારે તેવી રાહ જોવાનો સમય આ વિસ્તારના લોકો પાસે નહોતો, આ વિસ્તારના યુવાનો પાણીની વચ્ચોવચ્ચ ઊભા રહી દોરડાથી મહિલાઓ, વૃદ્ધાઓ અને બાળકોને બહાર કાઢ્યા હતા, એક મહિલા તો પોતાના પાળતું શ્વાનને કાંખમાં તેડી સલામત સ્થળે લઇ ગયા હતા. વૃદ્ધો અને બાળકોને પણ લોકોએ ખભા અને કાંખમાં તેડ્યા હતા. પાણીનું રૌદ્રસ્વરૂપ જોઇને જીવ બચાવીને ભાગવાના પ્રયત્નો કરી રહેલા કેટલાક મહિલાઓ પાણીમાં પડતા દેખાતા હતા, તો તેને બચાવવા યુવાનો તરીને તેમની મદદે પહોંચતા હતા.

16 સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન કરાયું
લલૂડી વોંકળીએથી 50 માણસ, એનિમલ હોસ્ટેલ પાસે 5 વ્યક્તિ, મવડી સ્મશાન પાસે 50,રૈયા ગામ પાસે પાંચ, શાપર-વેરાવળ પાસે ગાડીમાં ફસાયેલા પાંચ માણસ, જંગલેશ્વરમાં 30 માણસ,પરસાણાનગર પાસે 10 માણસ, કેવડાવાડી વિસ્તાર 20, 150 ફૂટ રિંગ રોડ પર અમીન માર્ગના છેડે એક ગાડીમાં ફસાયેલા 4 માણસ, એસ.ટી. વર્કશોપ પાસે પાણીમાં ફસાયેલા 10 માણસને, પેડક રોડ પર રાધે સ્મૃતિ સોસાયટીમાં એક વ્યક્તિ, જામનગર રોડ પર ગાયત્રીનગર-2 માં, એકતા કોલોની શેરી,મણિનગરમાં નાલંદાનગર,મવડી ચોકડી પાસે રાધિકા હોટેલ આગળ કૃષ્ણપાર્ક શેરી નંબર-11માં ,ગોંડલ રોડ, એસ.ટી. વર્કશોપ પાસે નાળામાં, કોઠારિયા રોડ હુડકો ચોકડીથી આગળ રામનગરમાં પાણીમાં,ગાયત્રીનગર 12-બ, જીવરાજ હોસ્ટેલની સામે એક મકાનમાં એક વૃદ્ધા પાણીમાં ફસાતા તેને સહીસલામત રીતે બહાર કાઢ્યા હતા. કોઠારિયા રોડ પર રાધાકૃષ્ણનગર-18 અને ગોવિંદનગરના છેડે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા આશરે 15 થી 17 લોકોનું લોહાણાવાડીમાં સ્થળાંતર કરેલ છે.

ઝોન મુજબ થયેલો વરસાદ

24 કલાકનોસિઝનનો
સેન્ટ્રલ ઝોનમાં 346 મીમી1062 મીમી
વેસ્ટ ઝોનમાં 402 મીમી1063 મીમી
ઇસ્ટ ઝોનમાં 340 મીમી972 મીમી
અન્ય સમાચારો પણ છે...