કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટ જિલ્લામાં વધુ 39 નવા કેસ સામે આવ્યાં, એકનું મોતઃ મોત થયાનો ઉલ્લેખ તંત્ર એ ક્યાંય કર્યો જ નહીં!

રાજકોટ2 વર્ષ પહેલા
  • પડધરીના ડેરી માલિકને કોરોના, પોતે જ બોલ્યા કે ગ્રાહક સહિત 50 જેટલા લોકોના સંપર્કમાં આવ્યા
  • રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 15 પોઝિટિવ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની હોસ્ટેલ અને સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર બનશે
  • ગોંડલમાં 2, અમરેલીમાં 3 અને જૂનાગઢ જિલ્લામાં 3 કેસ પોઝિટિવ નોંધાયા, 5નાં મોત
  • રાજકોટમાં વધતા કેસને ધ્યાને લઇ આવતા અઠવાડિયાથી 115 બેડની ક્ષમતા સાથે ચાર નવી ખાનગી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે
  • દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી
  • મોતના આંકડા છૂપાવવામાં આવી રહ્યાં છે: ધારાસભ્ય લલિત કગથરા

શહેરમાં 24 અને ગ્રામ્યમાં 15 સાથે રાજકોટમાં નવા 39 કેસ જ્યારે અન્ય જિલ્લાના 14 કેસ નોંધાયાનું તંત્રે જાહેર કર્યું છે પણ કોરોના વોર્ડમાં દાખલ કરાયેલા એક શંકાસ્પદ દર્દીનું મોત થયું છે તે જાહેર કરાયું નથી. આ સાથે રાજકોટમાં કુલ 604 કેસ નોંધાયા છે જેમાં શહેરના 338 જ્યારે જિલ્લાના 266 છે. યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ખાલી હોસ્ટેલ અને સમરસ હોસ્ટેલ તેમજ મોરબી રોડ પર કોમ્યુનીટી હોલમાં કોવિડ કેર સેન્ટર બનાવાશે.

ડેરી ધરાવતા યુવાનને કોરોના
પડધરીમાં ડેરી ધરાવતા રમેશ ડોબરિયા નામના 27 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગે તેને પૂછતા 50 જેટલા નામો તેણે આપ્યા છે જેમાં મોટાભાગના તેના ગ્રાહકો છે તેમજ હજુ પણ તેમાં કેટલાક નામો ઉમેરાય તેવી શક્યતા છે. આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર પડધરીમાં સરપંચ તેમજ આગેવાનોને જણાવ્યું છે કે ડેરીએ રોજેરોજ જતા હોય તેવા લોકો સામેથી સંપર્ક કરે જેથી બધાને હોમ ક્વોરન્ટાઈન કરી શકાય.

236 દર્દીઓને હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે
શહેરમાં જે કેસ આવ્યા છે તેમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મવડી વિસ્તારના એક તબીબ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. હાલ જે કેસ આવ્યા છે તેમાં પરિવારના સંપર્કમાં વધુ નીકળી રહ્યા છે ખરેખર ક્યાંય ક્લસ્ટર થતું નથી તેથી બધી જગ્યાએ નજર રાખવી પડે છે તેમજ મોટાભાગે ટ્રાવેલ હિસ્ટ્રી જ નીકળતા હાલ તો સર્વેલન્સ અને ટેસ્ટિંગ પર ફોકસ રખાયાનું કલેક્ટરે જણાવ્યું છે. કુલ 236 દર્દીઓ હોસ્પિટલમાં જ્યારે 89 દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા છે.

રાજકોટ શહેરના આ વિસ્તારોમાંથી કેસ આવ્યા 
શિવધામ સોસાયટી, કાલાવાડ રોડ, અંકુર સોસાયટી ભવાની ચોક, સ્ટાર રેસી. રેલનગર, કોઠારિયા રોડ, માધવ વાટિકા રોડ આજીડેમ ચોકડી, મવડી બાયપાસ રોડ, ગોવિંદનગર ગાંધીગ્રામ, લક્ષ્મીવાડી શેરી નં. 7, અમી-1, નંદનવન પાર્ક, સોરઠિયા પ્લોટ-7, દિલ મોહન, 4-જીવનનગર, 4-રામનગર, થોરાળા માર્ગ, ગુંજન ટાઉનશીપ, મવડી રોડ, ગૌતમ નગર, ભારમલ સ્કુલ પાસે, વર્ધમાન નગર.

સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં નવા 69 કેસ, એકનું મોત
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 21 કેસ નોંધાયા છે જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા દશ મહિલા અને પાંચ પુરૂષના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે જયારે ધ્રોલમાં વધુ બે પુરૂષ, ફલ્લા,રાજડા,લાવડીયા અને વસંતપુરમાં એક એક મહિલાના રીપોર્ટ પોઝીટીવ આવતા તમામને સારવાર અર્થે કોવિડ વોર્ડમાં ખસેડાયા છે. ધ્રોલના વૃધ્ધાનુ મૃત્યુ નિપજયુ હતુ જેઓ અન્ય બિમારીથી પણ પિડાતા હોવાનુ જાહેર થયુ છે. મોરબી જિલ્લામાં શુક્રવારે 15 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 12 શહેરના અને વાંકાનેરમાં 2 તેમજ હળવદમાં એક પોઝિટિવ આવ્યો છે જ્યારે મોરબીના એક પેશન્ટનું મોત થયું હતું. જૂનાગઢ જિલ્લામાં 15 નવા કેસ નોંધાયા હતા. અમરેલી જિલ્લામાં 3, ગિરસોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરના એક સુરક્ષાકર્મી સહિત 15 કેસ નોંધાયા હતા.

રાજકોટ શહેરમાં 13 કેસ પોઝિટિવ નોંધાયા
રાજકોટ શહેરમાં 18 અને  જિલ્લામાં 6 સહિત 24 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 332 કેસ અને ગ્રામ્યમાં 257 કેસ પોઝિટિવ નોંધાયા છે.

અમરેલી જિલ્લામાં 3 કેસ પોઝિટિવ
અમરેલી જિલ્લાના લીલીયામાં 35 વર્ષીય મહિલા, ધારીના ધારગણીના 60 વર્ષીય વૃદ્ધનો અને લાઠીના દહીંથરાના 65 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જસદણમાં 2 કેસ નોંધાયા
જસદણનાં કૈલાસનગર શેરી નં.1માં રહેતા બાબુભાઈ પરસોતમભાઇ સતાણી (ઉ.વર્ષ 65)ને કરોના પોઝીટીવ આવ્યો છે.બાબુભાઈ હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથએ જ ગણેશભાઈ હીરજીભાઈ પીપળીયા (ઉં.વ. 58) ખારી રોડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જસદણનાં સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગોંડલમાં 2 કેસ પોઝિટિવ
ગોંડલ તાલુકાના રૂપાવટીમાં 2 કેસ પોઝિટિવ નોંધાયો છે. રૂપાવટીમાં રહેતા માનસીબેન હિતેન્દ્રભાઈ રામોલિયા (ઉં.વ.30)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગોંડલમાં ઉદ્યોગભારતી સોસાયટીમાં રહેતા માલતીબેન જીતુભાઈ ચાવડા (ઉં.વ.39)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગોંડલ તાલુકામાં કુલ 29 કેસ પોઝિટિવ નોંધાયા છે. 

જૂનાગઢ જિલ્લામાં 3 કેસ પોઝિટિવ, એકનું મોત
જૂનાગઢ જિલ્લામાં 3 કેસ પોઝિટિવ નોંધાયા છે.  જૂનાગઢમાં 1 અને વિસાવદરમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે જૂનાગઢના લક્ષ્મીનગરમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવારમા માટે ખસેડવામાં આવ્યાં છે. ત્યારે આજે તેમનું મોત નિપજ્યું છે. વૃદ્ધને ડાયાબિટીસ અને હ્રદયની  તકલીફ હતી. જેના મૃત્યુનું કારણ ડેથ ઓડિટ કમિટી દ્વારા રિપોર્ટ આવ્યા બાદ જણાવવામાં આવશે.

વેરાવળ કોવિડ હોસ્પિટલમાં એકનું મોત
વેરાવળની સુપર કોલોનીમાં રહેતા 66 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેઓ ગઈકાલે સાંજથી વેન્ટીલેટર પર હતા અને આજે વહેલી સવારે તેમનું મોત નિપજ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે.

ભાવનગરમાં કોરાનાથી 3નાં મોત
(1)મહુવા રહેતા જટાશંકર મણીશંકર પંડ્યા ઉંમર 60
(2) ભંડારીયા ગામે રહેતાં વલ્લભભાઇ નરશીભાઇ ઘોરી ઉંમર 55
(3) હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતાં પાર્વતીબેન રમેશભાઇ સરવૈયા ઉંમર 58

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો 
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા તેમજ મોતની સંખ્યા વધી રહી છે પણ રાજકોટમાં કોરોનાનો અને ખાસ કરીને મોતનો આંક વધુ ન દેખાય તે માટે આખું તંત્ર ઊંધા માથે થયું હોય તેમ જે હતભાગીઓને મુખાગ્નિ અપાઈ ગઈ છે. તેમને ચોપડે જીવતા રાખવા જેવું કૃત્ય કરાઈ રહ્યું છે. ગઈકાલે પ્રહલાદ પ્લોટમાં રહેતા જેન્તીભાઈ નામના પુરુષનું ગુરુવારે બપોરે કોરોનાથી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. તેમનું મોત સિવિલ હોસ્પિટલ, મહાનગરપાલિકા તેમજ જિલ્લા આરોગ્ય તંત્રએ જાહેર જ નથી કર્યું અને એક્ટિવ દર્દી તરીકે જ બતાવી રહ્યા છે. 

મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે જે તપાસનો વિષય છે-કગથરા
મોતનાં આંકડા છુપાવવા મામલે કોંગ્રેસના ધારાસભ્ય લલિગ કગથરાએ નિવેદન આપતા કહ્યું કે રાજકોટ મહાનગરપાલિકા તેમજ જિલ્લા આરોગ્ય વિભાગની પ્રેસનોટમાંથી મોતના આંકડા ગાયબ કરવામાં આવે છે. જે તપાસનો વિષય છે. સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.

અધિકારીઓની મુલાકાત બાદ 4થી 10 જ સેમ્પલ લેવાઈ રહ્યાં છે-લલિત વસોયા
ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ 67 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે ધોરાજીમાં 67 કેસ પોઝિટિવ આવ્યાં છે. રોજના 30 સેમ્પલ લેવામાં આવતા હતા. પણ કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓની મુલાકાત બાદ માત્ર 4થી 10 જ સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે અને લોકોને ટેસ્ટીંગ કરી આપવામાં આવતું નથી.

સૌરાષ્ટ્રમાં ગુરૂવારે 80 કેસ પોઝિટિવ નોંધાયા
ગુરુવારે રાજકોટમાં 26 અને જિલ્લામાં 8 સહિત નવા 34 કેસ આવ્યા છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ 572 છે. જેમાં શહેરના 320, જ્યારે જિલ્લાના 252 દર્દીઓ છે. ગુરૂવારે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં વધુ 46 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સૌરાષ્ટ્રમાં કુલ 80 કેસ ગુરૂવારે નોંધાયા હતાં.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

(અતુલ મહેતા-જૂનાગઢ, ભરત વ્યાસ-ભાવનગર, જયેશ ગોંધીયા-ઉના)