લોધિકા તાલુકાના ચાંદલી ગામમાં આવેલા પૌરાણીક ઘંટેશ્વર (મહાદેવ) મંદિરે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ જામે છે અને શ્રાવણ માસમાં ભોળેનાથને ભાવથી ભજીને ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે. આ જ મંદિરના પરિસરમાં એક કૂવો આવેલો છે અને તેની ખૂબી કે ખાસિયત એ છે કે માત્ર 50 ફૂટનો આ કૂવો ક્યારેય ખાલી થયો જ નથી. ગમે તેવો દુકાળ પડે, આ કૂવામાંથી ક્યારેય પાણી ખુટ્યાં નથી. 1986માં ભયંકર દુકાળ પડ્યો ત્યારે ગામ આખાને આ કૂવામાંથી પાણી મળી રહ્યું હતું.
ચાંદલી ગામે આવેલા અને અંદાજિત 500 વર્ષ (પુરાણા) પૌરાણિક ઘંટેશ્વર મહાદેવ મંદિર પ્રત્યે શ્રધ્ધાળુઓમાં અપાર શ્રદ્ધા છે. અહીં આસપાસ કોઠાપીપળીયા, લોધીકા, જેતાકુબા વિસ્તાર તથા સમસ્ત ચાંદલી ગામના ભાવિકો શ્રાવણ માસ દરમ્યાન આવીને મસ્તક ઝુકાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. દર સોમવારે જ્યોતિષ શાસ્ત્રીજી (બ્રાહ્મણ) પાર્થ અદા પંડિયા દ્વારા વિશેષ પૂજા અર્ચના તેમજ હોમ હવન લઘુ રુદ્રી હવન ચાંદલી ગામના આગેવાનો દ્વારા સંત્સગ મંડળીના સહયોગથી કરવામાં આવે છે.
500 વર્ષ (પુરાણુ) પૌરાણિક ઘંટેશ્વર મહાદેવ મંદિર પાસે પહેલા જુનુ ગામ હતું, અને જે તે સમયે અહીં નાનું મંદિર હતુું. પરંતુ બાદમાં સેવકો, દાતા તેમજ સમસ્ત ગામના સહયોગથી ભવ્ય મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યુ છે . હાલ વિશાળ જગ્યામાં ફેલાયેલી આ જગ્યાની આસપાસ સ્વ. દિલીપસિંહ રઘુભા જાડેજા હસ્તક હજારો વૃક્ષોનો ઉચ્છેર કરવામાં આવેલો છે. ત્યાં બાગ બગીચો ખીલવવામાં આવ્યો છે અને આજુબાજુ ગામના લોકો વનભોજન કરવા માટે આવે છે ત્યાં રહેવા માટે ની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં આવેલા વર્ષો પુરાણા અને 50 ફુટ ઉંડા કુવામાં કદી પાણી ખુટતું નથી. ઈ.સ (1986) ના દુષ્કાળ સમયે લોકો અહીંથી પાણી ભરતા હતા અને જ્યાં સુધી ચોમાસું ફરી ન જામ્યું ત્યાં સુધી અહીંથી જ પાણી મળી રહેતું હતું અને ગામ તરસ્યું નહોતું રહેતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.