હાલાકી:લોધિકા આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ ન ફાળવતા 38 ગામના દર્દીઓ પરેશાન

લોધિકા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજુઆતો છતાં કોઇ ઉકેલ નહીં : એમ.એસ. સર્જન, એમ.ડી અને આંખના ડોક્ટરની જગ્યા ખાલી

લોધીકા તાલુકા મથક ની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં ઘણા સમયથી ડોક્ટરોની ઘટ છે. ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી કરી ગ્રામજનો થાક્યા છે છતાં તંત્ર દ્વારા ઘટતા સ્ટાફની નિમણૂક કરવામાં ન આવી હોય લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે. વરસાદી સિઝનમાં આમેય વાયરલ તાવ, શરદીના કેસ વધી રહ્યા છે ત્યારે ખૂટતા સ્ટાફની તાબડતોબ ભરતી કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

લોધિકામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોધિકા સહિત 38 ગામોના લોકો તબીબી સેવા અર્થ આવે છે, પરંતુ અપુરતા સ્ટાફને લઈ દર્દી મુશ્કેલી ભોગવી રહ્યા છે. ડોક્ટરોની ઘટના લઈ દર્દીઓને નાછૂટકે રાજકોટ ધક્કા ખાવા પડી રહ્યા છે આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં તંત્રને જાણે લોધીકા પ્રત્યે ઓરમાયુ વર્તન હોય તેમ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી.

આ સરકારી કેન્દ્રમાં ઘણા લાંબા સમયથી એમ.એસ. સર્જન, એમ.ડી તથા આંખના ડોક્ટરની જગ્યા ખાલી છે. લોધિકાથી સ્ટેટ હાઇવે પસાર થતો હોય તથા મેટોડાથી શાપરને જોડતો માર્ગ અહીંથી પસાર થતો હોય, વારંવાર અકસ્માતો થાય છે. જ્યારે દર્દી અહીં સારવારમાં આવે છે ત્યારે એમ. એસ. સર્જનની જગ્યા ખાલી હોય ત્યારે દર્દીને મુશ્કેલી ભોગવવી પડે છે અને દર્દીને નાછૂટકે સારવાર માટે શહેરમાં લઈ જવા પડે છે. તેવી જ રીતે એમ.એસ સર્જનની જગ્યા ખાલી હોય આધુનિક ઓપરેશન થિયેટર પણ નિરર્થક બની ગયું છે અને તેમાં હાડકાનો વિભાગ કાર્યરત કરી દેવાયો છે.

આ ઉપરાંત ઘણા સમયથી આંખની સારવાર માટે આવતા દર્દીઓ આંખના ડોક્ટરના અભાવે સારવાર લઈ શકતા નથી અને ના છૂટકે આંખની સારવાર માટે શહેરના ધક્કા થાય છે આ ઉપરાંત આ હોસ્પિટલમાં જનરેટરની સુવિધા પણ નથી અનેક વખત વિજળી ગૂલ થઈ જાય છે ત્યારે હોસ્પિટલમાં અંધારાપટ છવાઈ જાય છે. આ અંગે સ્થાનિક કાર્યકરો યોગ્ય કરવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ અધિક્ષકને ફરિયાદ કરે છે ત્યારે સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી.

લેબોરેટરીમાં બેસવા માટે જગ્યા જ નથી
આ ઉપરાંત લોધિકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલી લેબોરેટરીમા રિપોર્ટ કરવા માટે આવતા દર્દીઓને બેસવા માટે પણ પુરતી વ્યવસ્થા નથી અને આજુ બાજુમા ઘાસના ઝુંડ ઉગી નીકળ્યા છે જેના પરિણામે મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો છે. આ સઘળા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરપંચ સુધાબેન વસોયા, ઉપસરપંચ દિલીપભાઈ મારકણા, પંચાયત સદસ્ય પ્રવીણભાઈ ખીમસુરીયા, સામાજિક કાર્યકર અશોકભાઈ વસોયા.ગૌરવ હંસોરા ડાયાભાઈ ઘાડીયા વગેરે ગ્રામજનોએ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...