લોકોમાં ખુશાલી:લોધિકાની પાણી, સફાઇની સમસ્યાનો અંત, ગામને નંદનવન બનાવવા નવનિયુક્ત ગ્રામપંચાયતનો સંકલ્પ

લોધિકા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના લોધિકા તાલુકામાં વર્ષોથી સફાઇ અને પાણીની સમસ્યાથી લોકો પરેશાન હતા, જેમાંથી પ્રજાને છૂટકારો મળ્યો છે અને નવનિયુક્ત ગ્રામ પંચાયતે ટૂંકા ગાળામાં જ પાણી, સફાઈ, લાઈટ, આરોગ્ય જેવા પ્રશ્નોને અગ્રીમતા આપતાં ખુશી વ્યાપી છે.લોધિકામાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સુધાબેન વસોયા, ઉપસરપંચ દિલીપભાઈ મારકણાની નેમ લોધીકા ને ખરા અર્થમાં ગોકુળીયુ ગામ બનાવવાની છે. આદર્શ ગામની પરિકલ્પના સાકાર કરવા પંચાયતની નવી બોડીએ ફક્ત ચાર માસના ટૂંકા ગાળામાં અનેક વિકાસના કામોમાં પ્રગતિ સાધી છે.

લોધીકા ગામે વર્ષોથી પાણીનો પ્રશ્ન અગ્રસ્થાન રહ્યું છે. અહીં પાણીના કોઈ મોટા સ્ત્રોત ન હોવાના કારણે બોર કૂવા કે નર્મદાના પાણી ઉપર નિર્ભર રહેવું પડતું હતું, પંચાયતની ટીમે પ્રથમ પાણી પ્રશ્ન ઉકેલવાની નેમ સાથે ઘરે-ઘરે જય સર્વે કરી જ્યાં જ્યાં ઓછા પ્રેશરની સમસ્યા હતી ત્યાં પાણીની લાઈનની સાફ સફાઈ કરાવી અને પાણીના ફોર્સ માટે વધારાની મોટર સહિતની કામગીરી કરી પાણી વિતરણ વ્યવસ્થામાં જ્યાં જ્યાં ઉણપ હતી તે દૂર કરી ગામના પાણીના પ્રશ્નને હલ કરવામા સફળતા મેળવી છે, તો બીજી તરફ સફાઇ માટે બે ટીપર વાનની વ્યવસ્થા કરી તેમજ કચરાપેટી ગોઠવી તેમજ નિયમિત સાફ સફાઈ થાય તેનું સતત સુપરવિઝન કરવા સહિતની કામગીરી કરી છે.

ગામમાં અનેક સ્થળોએ લાઈટનો અભાવ હતો. આવા સ્થળોએ સ્ટ્રીટ લાઇટ ગોઠવી તેમજ આગામી દિવસોમાં બસ સ્ટેન્ડથી સરકારી હોસ્પિટલ સુધી રોડ ઉપર હેલોઝન લાઈટનું આયોજન હાથ ધરાયું છે. ઉપરાંત ગામના દરેક મુખ્ય માર્ગ તેમજ દરેક ચોક અને શેરીઓમાં સી.સી.ટી.વી કેમેરા ગોઠવાયા છે. આધુનિક બસ સ્ટેન્ડ મંજૂર થયું છે. આગામી સમયમાં લોક કલ્યાણ લક્ષી યોજનાનો ગામને વધુમાં વધુ લાભ મળી રહે તે માટે પ્રયત્ન હાથ ધરાશે.

આટલી સુવિધા ગામને બનાવશે રળિયામણું
1. ફોફળ નદીના કાંઠે રીવર ફ્રન્ટ બનાવાશે જે ગામની સુંદરતામાં વધારો કરશે
2. લોધિકા બસસ્ટેન્ડથી થોરડી નાકા સુધી રસ્તાની બન્ને સાઇડ વધારાશે અને પહોળો કરાશે
3. ગામની દરેક શેરી અને ગલીઓને પેવર બ્લોકથી મઢાશે.
4. કોઠા પીપળિયાથી થોરડીને જોડતા રોડનો બાયપાસ મંજુર થઇ ગયો હોઇ ટૂંક સમયમાં કામગીરી હાથ ધરાશે
5. મેટોડાથી ચાંદલી બાયપાસ રોડની કામગીરી કરાશે.
6. લોધિકાની આજુબાજુના વિસ્તારમાં ગ્રીન બેલ્ટ બનાવાશે, વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરાશે
7. પાંચ એકર જમીનમાં ક્રિકેટનું મેદાન બનાવવાનુ આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...