વ્યવસ્થા:લોધિકામાં રખડતા પશુઓને સાચવવા ગૌશાળામાં જ અલાયદી વ્યવસ્થા કરાઇ

લોધિકા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગો પરથી પશુઓને પકડી એક જ જગ્યાએ રખાતા લોકો ભયમુક્ત
  • ગ્રામ પંચાયત ટીમ, ગૌશાળાએ ઘાસચારા, પાણીની વ્યવસ્થા કરી

લોધિકામાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુનો ત્રાસ હતો લોકો સતત ભયના માહોલમાં હતા ત્યારે લોધિકાની નવ નિયુક્ત ગ્રામ પંચાયત ટીમે રખડતા પશુઓના ત્રાસથી ગ્રામજનોને છૂટકારો અપાવતા પંચાયતની સરાહનીય કામગીરીથી લોકોમાં રાહતની લાગણી ફેલાવા પામી છે. ઉલ્લેખનીય છે કે ગામમાં 65 જેટલા આખલાઓ આમથી તેમ રખડતા હોઇ લોકો સતત ભયમાં જ પસાર થતા હતા.

અત્રે નોંધનીય છે કે લોધીકામાં રખડતા ઢોરનો ત્રાસ ઘણા લાંબા સમયથી હતો. ગામના મુખ્ય માર્ગો તેમજ શેરી ગલીઓમાં આખલાઓ આડેધડ બેસી ટ્રાફિકના પ્રશ્નો સર્જતા હતા આ ઉપરાંત અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો હતો. ગામના મુખ્ય વિસ્તારો જેવા કે રામજી મંદિર ચોક, ખોડીયાર ચોક, બસ સ્ટેન્ડ, સ્કૂલ વિસ્તાર વગેરે માર્ગો પર આખો દિવસ ઢોર અડીંગો જમાવી બેસી રહેતા જેને કારણે કેટલાક લોકો આખલાની અડફેટે ચડીને ઘાયલ પણ થતા હતા.

જેને લઇ ગ્રામ પંચાયતના સરપંચ સુધાબેન વસોયા, ઉપસરપંચ દિલીપભાઈ મારકણા, પંચાયત સદસ્ય પ્રવીણભાઈ ખીમસુરીયા સહિતની પંચાયત ટીમે જહેમત ઉઠાવી સામાજિક કાર્યકર ભાવેશભાઈ વસોયા અરવિંદભાઈ હરસોડા પાર્થ ભાઈ ભૂત જય વસોયા અશ્વિનભાઈ ઝાલાવાડીયા તેમજ અન્ય સેવાભાવીઓના સહયોગથી ગામના તમામ રખડતા ઢોરને પકડીને ગામની ગૌશાળામાં અન્ય વિભાગ ઉભો કરી રખડતા ભટકતા પશુને ત્યાં રાખી તેમના ઘાસચારા, પાણીની પૂરતી વ્યવસ્થા કરી જીવદયા નું પ્રેરક કાર્ય કરી દીધું છે અને સાથે ગામને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવી છે.

અન્ય સમાચારો પણ છે...