કોટડાસાંગાણીમા તાજેતરમાં જ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.પરંતુ આ બસ સ્ટેશનનું શૌચાલય જાણે દારૂ પીવા માટેનું સ્ટેશન બની ગયું હોઈ તેમ લાગી રહ્યું છે. સાંજ પડેને દેશી દારૂના બંધાણીઓ ન જાણે ક્યાથી પોટલીઓ ખરીદીને આ બસ સ્ટેશનના શૌચાલયમાં પીવા માટે આવી જતા હોય તેમ લાગી રહ્યું છે કેમ કે અહીં પુરાવાઓ જ હાજર છે.
અમુક ઇસમો દારૂ પીને કોથળીઓ અહીં જ નાખીને જતાં રહે છે.આવા ઈસમો સામે પોલીસ દ્વારા ધોકો પછાડવામાં આવે તે જરૂરી બની ગયું છે.આવા ઈસમોને કારણે રાત્રીના સમયે બસ સ્ટેશનમા આવતા મુસાફરો અને મહિલાઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે.
બોટાદ વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડમા ભોગ બનનારના પરીવારજનોના આંખોમાં હજુ આંસુ સુકાયા નથી ત્યાં દારૂનો દાનવ અન્ય યુવાનોને ભરખી જાય તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી છે. આ ઘટના બાદ સરકાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ દેશી દારૂના હાટડા સદંતર બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.જેની અસર કોટડાસાંગાણી પણ થાય તે જરૂરી બન્યું છે.
કોટડાસાંગાણીમાં ગોંડલી નદીની બાવળની ઝાડીઓ, મફતીયાપરા વિસ્તાર, વાછપરી ડેમ કાંઠો દેશી દારૂ હોટ સ્પોટ વિસ્તાર માનવામાં આવે છે, હોટસ્પોટની લોકોને ખબર છે જ , પોલીસને ખબર ન હોય તેમ માનવાને કોઇ કારણ નથી જ તેમ છતાં પોલીસની ઢીલી નીતિના લીધે બધું ચાલે છે ત્યારે આ બાબતે પોલીસ નીંભરતા ત્યજે અને કાર્યવાહી કરે તે આજના સમયની માગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.