હાલાકી:કોટડાસાંગાણીની મામલતદાર કચેરીના વોટરકૂલરમાં પાણી જ નહીં

કોટડાસાંગાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોમધખતા તાપમાં કામ માટે આવતા અરજદારોને તરસ્યા જવું પડે છે

કોટડા સાંગાણીની મામલતદાર કચેરીમાં વોટર કૂલર મૂકવામાં અધીરા અધિકારીઓએ તેમાં પાણી આવે છે કે કેમ તે ચકાસવાની દરકાર જ લેવાનું બંધ કરતાં ભર ઉનાળે કચેરીના કામ માટે આવતા અરજદારોને તરસ્યા જ પરત જવાનો વારો આવે છે. કોટડાસાંગાણીની મામલતદાર કચેરીનું વોટર કુલર પાણી વગરના અધીકારીઓના પાપે પાણી વગરનું જોવા મળે છે.

જેના કારણે અરજદારોમા ભારે કચવાટ જાગ્યો છે. દાતાઓ દ્વારા મુકવામાં આવેલું ઠંડા પાણીનું વોટર કુલર અત્યારે તો શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. જ્યારથી વોટર કુલર મૂકવામાં આવ્યું ત્યારથી હજુ સુધી કોઈ દિવસ પાણી ભરવામાં નથી આવ્યું. જવાબદાર અધિકારીઓએ પાણી આવે છે કે કેમ તે જાણવાની આ અંગે જાણે તસ્દી લીધી ન હોઈ તેમ લાગી રહ્યું છે.

એક તરફ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીથી પણ વધી જાય છે.ત્યારે મામલતદાર કચેરીમાં કામ કાજ અર્થે આવતા અરજદારોને પીવાના પાણી માટે વલખાં મારવાં પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. મહિનાઓ સુધી મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં વોટર કુલર ધુળ ખાઇ રહ્યું હતું અને બાદમાં કચેરીની બહાર લાવીને ફિટ તો કરી દેવામાં આવ્યું હતું.

પરંતુ આ વોટર કુલરમા પાણી ભરવામાં નહીં આવતા અરજદારોમાં કચવાટ જાગ્યો છે.અનેક અરજદારો તો ભર તડકામાં ઠંડા પાણી પીવાની આશાએ આ વોટર કુલર સુધી પહોંચી જાય છે અને ગ્લાસ વડે પાણી ભરવા નળ પુશ કરે ત્યારે તેમાંથી પાણી નહીં નીકળતા નિસાસા નાખીને પરત જતા રહે છે.ત્યારે બેતાલીસ ગામનો તાલુકાની પ્રજા માટેની મામલતદાર કચેરીમાં દાતાઓ દ્વારા આપવામાં આવેલા નવે નવા વોટર કૂલર અધિકારીઓના પાપે બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે તેને લોકોની લાગણી અને માગણીને ધ્યાને લઇ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...