કોટડા સાંગાણી પોલીસે વ્યાજખોરના કહેવાથી આધેડને પોલીસ સ્ટેશને ઉપાડી જઇ ઢોર માર માર્યાની આધેડએ પોલીસ સહિત ઉચ્ચકક્ષાએ અરજી કરી છે અને સાથાસાથ ચીમકી આપી છે કે આ કિસ્સામાં તટસ્થ તપાસ નહીં થાય તો બે દિવસમાં મામલતદાર કચેરી સામે આત્મવિલોપન કરશે.
કોટડા સાંગાણીના ગોવિંદભાઈ મોહનભાઈ સિંધવે મામલતદાર, કલેક્ટરને સંબોધીને આપવામાં આવેલી અરજીમાં જણાવ્યું છે કે વ્યાજખોર હિતેશભાઇના કહેવાથી કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના ગઢવી અને અન્ય એક જવાન મને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને મને ઢોર માર મારવાનું ચાલુ કરી દીધું હતું. અને કહ્યું હતું કે જો હું 10,000 કોઇ પાસેથી મંગાવી લઉં તો જ છોડશે.
પરંતુ બાદમાં મારી તબીયત લથડતાં મને છોડી દીધો હતો અને ઘરે જતી વખતે રસ્તામાં તબીયત વધુ બગડી અને 108ની મદદથી સારવાર માટે પહોંચ્યો હતો. જ્યારે આ બન્ને પોલીસ મને મારતા હતા ત્યારે વ્યાજખોર હિતેશ ત્યાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ચુકી છે. આથી જો મારા કિસ્સામાં બે દિવસમાં તટસ્થ તપાસ હાથ નહીં ધરાય અને મને મારનાર પોલીસને સસ્પેન્ડ નહીં કરાય તો હું મામલતદાર કચેરી સામે આત્મવિલોપન કરીશ તેવી ચીમકી આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.