કોટડાસાંગાણીની મામલતદાર કચેરીની કામગીરી અંગે લાંબા સમયથી અનેક ફરિયાદો ઉઠી છે.અરજદારોને કોઈના કોઈ બહાને કચેરીના ધક્કા ખવડાવવાની નીતિ મામલતદાર તંત્રની બની જતા આ અંગે તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ મુખ્યમંત્રીને પત્ર લખીને અહીંના મામલતદાર જે.એસ.વસોયાની કામગીરી અરજદારો સંતુષ્ટ નહીં હોવાથી તેમની તાત્કાલિક બદલી કરવા માંગ કરી છે.
તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષ વઘાસીયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કોટડાસાંગાણીમાં સરકારની વિવિધ સુખાકારી યોજના લોકોના ઘર સુધી પહોંચે તે માટે કાર્યકરો કામ કરી રહ્યા છે. કોટડાસાંગાણી 42 ગામનો તાલુકો હોવાથી રોજના અરજદારો કોટડાસાંગાણીમાં આવેલી તાલુકા પંચાયત, મામલતદાર કચેરી ખાતે વિવિધ કામો માટે આવતા હોય છે.
અહીંની તાલુકા પંચાયતની કામગીરીથી લોકોને સંતોષ છે, પરંતુ મામલતદાર કચેરીના મામલતદાર. વસોયાની બેદરકારીના કારણે છેલ્લા લાંબા સમયથી લોકોના કામ ટલ્લે ચડ્યા છે અરજદારોને કોઈના કોઈ બહાને કચેરીના ધક્કા ખવડાવવામાં આવે છે. અધિકારી દ્વારા રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાની અનેક ફરિયાદો આવી છે. સાથે જ સરકાર દ્વારા વિધવા બહેનો માટે ગંગા સ્વરૂપા યોજના જે બનાવાઈ છે, તે માટે આવતી બહેનોની અનેક અરજીઓ કોઈના કોઈ બહાને રદ કરવામાં આવે છે.
આધારકાર્ડની કામગીરી પણ છ માસથી બંધ
અહીંની મામલતદાર કચેરીમાં છેલ્લા 6 માસ જેટલા સમયથી આધાર કાર્ડની કામગીરી પણ આ બંધ છે. આ અંગે મામલતદારને અરજદારો જયારે રૂબરૂ રજૂઆત કરવા જાય છે. ત્યારે યોગ્ય જવાબ પણ આપવામાં આવતા નથી.અને અરજદારોની સાથે ગેર વર્તન પણ કરાતું હોવાની ફરિયાદો સામે આવી છે. આવા અધિકારીઓના કારણે આ વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી આ બાબતોમાં યોગ્ય કરવા ભાજપના પુર્વ મહામંત્રી શૈલેષ વઘાસીયાએ રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.