હુમલો:જેતપુરના નવાગઢ ગામે જૂની અદાવતમાં યુવાને આધેડને છરીના પાંચ ઘા ઝીંકી દીધા

જેતપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગ, પીઠ અને હાથ પર છરી લાગતાં આધેડ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા

જેતપુરના નવાગઢ વિસ્તારમાં જૂની માથાકૂટનો ખાર રાખી એક યુવાને આધેડ પર છરી વડે હુમલો કરી પીઠ, પગ તેમજ હાથ પર પાંચેક ઘા મારતા લોહીલુહાણ હાલતમાં આધેડને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા અને પોલીસે ધસી જઇને કાર્યવાહી હાથ ધરી હતી.

નવાગઢ વિસ્તારમાં રહેતા યોગેશભાઈ ઉર્ફે દિનેશભાઇ બુટાણી વહેલી સવારે ઘરની સામે આવેલી પોતાની દુકાન ખોડલ બેકરી ખોલીને હજુ તો દિવાબત્તી કર્યા હતાં. તેવામાં કોઈ ગ્રાહકે આવી તેમના નામની બુમ પાડતા તેઓએ ગ્રાહકને બહાર રહેવા જણાવ્યું હતું અને એટલીવારમાં આ ગ્રાહક દુકાનની અંદર આવી ગયો હતો અને જેની સામે જોતા તેમના ઘરની પાસે જ રહેતો પ્રિયમ સાવલીયા નામનો યુવાન દેખાયો હતો. જેને પૂછતાં શું જોઈએ છે તો તે સાથે જ મારા દાદા સાથે કેમ માથાકૂટ કરો છો તેમ બોલી બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો અને પ્રિયમને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈને તેના હાથમાં રહેલી છરી વડે હુમલો કરી યોગેશભાઇના પગના ભાગે બે ઘા મારતા તેઓ નીચેપડી ગયા હતા, અને પીઠના ભાગે બે ઘા મારી ત્રીજો ઘા મારવા જતા યોગેશભાઈએ છરી હાથ વડે પકડી લેતાં તેમનો હાથની હથેળી ચિરાઇ ગઈ હતી.

અચાનક હુમલાથી ડઘાઈને યોગેશભાઈએ બુમાબમ કરી મૂકતાં પ્રિયમ ત્યાંથી નાસી ગયો હતો. જેથી યોગેશભાઈએ પોતાના મોબાઈલથી કોલ કરી પોતાના પુત્રને બોલાવ્યો અને સારવાર માટે સરકારી હોસ્પિટલે પહોંચ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતાં. સીટી પોલીસે યોગેશભાઈની ફરીયાદ પરથી પ્રિયમ સામે જૂની માથાકૂટનો ખાર રાખી છરી વડે પગ, પીઠ તેમજ હાથ પર ગંભીર ઇજા પહોંચાડવા સબબ આઈપીસી ૩૨૬, ૨૯૪(ખ), ૫૦૫(૨) તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ ફરીયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...