ગુજરાત સરકારના નળ સે જળના દાવાઓની પોલ ઉઘાડતા અનેક કિસ્સાઓ અને ઘટનાઓ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. જેતપુરનાં દાતારનગર તેમજ વીરા શકિત વિસ્તારના લોકો હાલ પણ પાણીની ભયંકર સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને રોજબરોજના કામ પડતાં મૂકીને ટેન્કર ક્યારે આવશે અને પીવાનું પાણી ક્યારે મળશે તેની રાહ જોવામાં સમય અને શક્તિ ખર્ચી રહ્યા છે.
રાજ્ય સરકાર ગુજરાતમાં પાણીના મામલે ઘરે ઘરે નળ મારફતે પાણી મળતું હોવાની વાત કરે છે અને ટેંકર લેસ ગુજરાત બન્યું હોવાંના દાવા કરે છે પરંતુ રાજકોટ જિલ્લાનાં જેતપુરમાં આ વાત પોકળ સાબીત થવા પામી છે, જેતપુરમાં આવેલા દાતાર નગરમાં પાણીની પાઇપ લાઇન હોવા છતાં અહીંના લોકો પાણી વિહોણા રહે છે, તેમજ વીરા શકિતમાં લોકોને રોજ 10થી વધુ ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે માંગ છે કે ટેન્કરના બદલે લાઈન મારફતે પાણી આપવામાં આવે તે જરૂરી છે.
જેતપુરનાં દાતાર નગરના લોકોને નગરપાલિકાની પાણીની લાઈન હોવા છતાં છેલ્લા 5 વર્ષથી પીવાનું પાણી ફોર્સ નાં કારણે નથી મળતું, જેથી સ્થાનિકોએ વાપરવાના પાણી માટેનાં છૂટકે ટેન્કર મારફતે પાણી મંગાવવું પડી રહ્યું છે.
ટેન્કરોમાં ભાવવધારો, 400થી 1000 રૂપિયા !
પાણીના ટેન્કરો ગત વર્ષ સુધીમાં અઢીસોથી ત્રણસો રૂપિયામાં મળતા હતા. હાલ 5 હજાર લિટર પાણીનું ટેન્કર 400થી માંડીને 1000 રૂપિયામાં મળી રહ્યું છે. વિસ્તારનું અંતર-સમયને ધ્યાને લઇને ભાવો લેવાઇ રહ્યા છે, લોકો દંડાઇ રહ્યા છે. જેતપુર પાસે આવેલ ભાદર-1 ડેમ 26.60 ફૂટ પાણીથી ભરેલો હોઈ, ઉનાળુ પાક માટે 2000 હેકટર જમીન માટે, સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું હોય, ડેમમાંથી અનેક વિસ્તારોમાં, પાણી માટે સ્રોત આપેલો છે. જેતપુર નવાગઢ નગરપાલિકા તંત્રની અવળચંડાઈને લીધે પછાત વિસ્તાર પાણી માટે વલખાં મારી રહ્યો છે.
હવે ટેન્કરનો ખર્ચ પરવડતો નથી
પાંચ વર્ષથી પાણીની પારાયણ છે. પાલિકાના સત્તાધીશોને રજૂઆતો કરવા છતાં પાણી આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. રોજની રોજી-રોટી મેળવવા માટે મહેનત કરીએ પણ એ કમાણી પાણીના ટેન્કર મગાવવામાં જતી રહે છે. ઘરના સભ્યો વધુ હોવાથી ટેન્કર મારફતે પાણી મગાવવામાં આવે છે તે પણ પૂરું નથી થતું. - પ્રભાબેન રિબડિયા, સ્થાનિક મહિલા
ફોર્સથી પાણી આપવાનો પ્રશ્ન હલ નથી થતો
આ વિસ્તાર નગરપાલિકામાં આવી ગયો, વિવિધ ટેક્સ લોકો ભરતા થઇ ગયા, પરંતુ પીવાના પાણી માટે હાલમાં પણ ટેન્કર પર નભી રહ્યા છે. પાણીની લાઇનો પણ છે, પરંતુ ધીમા ફોર્સના કારણે પાણી ધીમું આવતું હોય પૂરું થતું નથી. રજૂઆતો કરી છતાં પાણીનો પ્રશ્ન હલ નથી થયો. આ વિસ્તારમાં સમસ્યાનું નિવારણ કરાય તેવી માંગ કરી હતી. - દયાબેન જાની, સ્થાનિક
તંત્ર અમારી વાત ધ્યાને લેતું જ નથી
જેતપુરના દાતાર નગરમાં ઘણા વર્ષોથી પીવા માટે પાણીની પાઇલાઇન જ નથી પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ઉમર થઈ ગઈ હોવા છતાં બાજુમાં આવેલ વિસ્તારમાં પાણીના બેડા લઈને પાણી ભરવા જવું પડે છે. નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી પીવાના પાણી માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી સ્થાનિકોની માંગ છે કે વ્હેલી તકે પાણી આપવામાં આવે. - નિર્મળાબેન વાળા, સ્થાનિક
આ વિસ્તાર ઊંચાઇ પર હોય, સમસ્યા સર્જાય છે
આ વિસ્તાર જે ઊંચાઈ ઉપર આવેલો હોઈ જેથી આ સમસ્યા સર્જાઈ રહી છે.તેમજ સરકારની જે યોજના નલ પે જલ યોજના અંતર્ગત આ વિસ્તારને તાત્કાલિક અસરથી આવરી લેવામાં આવશે તેમજ આ સમસ્યાનું વ્હેલી તકે.નિવારણ કરવામાં આવશે. - મહેશ ડોબરિયા, વોટર વર્ક્સ ચેરમેન, જેતપુર નવાગઢ નગરપાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.