જેતપુરના દાસી જીવણ પરા વિસ્તારમાં રહેતા યુવાને સોશ્યલ મીડિયા મારફત પ્રેમમાં નાશીપાસ થઈ સવારે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. શહેરનાં દાસી જીવણ પરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ પરમારનો પુત્ર અજય ઉ.વ.૧૮ એ સવારે જ્યારે ઘરે કોઈ ન હતું ત્યારે છતના હૂક સાથે ચૂંદડીનો ગાળિયો બનાવી ફાંસો લગાવી લીધો હતો.
યુવાનને કોઈ વ્યસન પણ નહોતું
અજય ત્રણ ભાઈઓમાં બીજા નંબરનો હતો તે સાડીઓના પેકિંગનું મજૂરી કામ કરતો હતો. અજય દોઢ બે વર્ષ પૂર્વે સોશ્યલ મીડિયા મારફતે એક યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. અને આ સંપર્ક પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ ગયો. જેમાં ત્રણેક દિવસથી આ પ્રેમ ભગ્ન થઈ ગયો હતો. જેથી અજયને ખૂબ લાગી આવ્યું હતું. પાન માવાનું પણ વ્યસન ન રાખનારો અજય દારૂ પીતો થઇ ગયો હતો. તેમ છતાં પ્રેમિકા ભુલાતી જ ન હોય તેનાં માતા-પિતા દુ:ખદ પ્રસંગે ગયાં હોય અને ભાઈઓ કામ પર ચાલ્યા ગયા બાદ અજયે નાસ્તો કર્યો અને પછી ઘરે જ ફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી લીધી.
કામે ન પહોંચતા ફોન કર્યો અને રૂમમાં લટકતો મળ્યો
અજય જયાં કામ પર જતો હતો ત્યાં દસેક વાગ્યા સુધી ન પહોંચતાં સાથી કામદારોએ તેનાં ભાઈને કોલ કરી અજય હજુ સુધી કામ પર આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. જેથી તેનાં ભાઈએ અજયના મિત્રને ફોન કરીને તે ઘરે છે કે નહીં તે જોવાનું કહેતાં તેનો મિત્ર ઘરે જતાં દરવાજો આગડિયો લગાવ્યા વગર ખુલ્લો હતો. જે ખોલીને જોતાં અજય ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. જેથી સ્થાનિકોએ તરત જ તેને હોસ્પિટલે લાવતાં ફરજ પરનાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.