જેતપુર તાલુકાના જેપુર ગામનાં યુવકને ગામનાં પૂર્વ સરપંચ વાડીએ મોટર રીપેરીંગ કરવાની છે તેમ કહી લઈ ગયા બાદ યુવકને પૂર્વ સરપંચ તેના પુત્ર સહિત ત્રણ શખ્સોએ ગાળો આપી લોખંડના પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બનાવ અંગે વિરપુર પોલીસે ફરિયાદ નોંધી ત્રણ સામે ગુનો નોંધ્યો છે.
બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જેપુર ગામે રહેતો સંજય ભૂપતભાઈ મકવાણા (ઉ.વ.૨૪) નામના યુવકે વિરપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગામનાં જ પૂર્વ સરપંચ ચંદુ લખમણભાઈ મકવાણા તેનો પુત્ર નિલેશ ઉર્ફે ટકો ચંદુભાઈ મકવાણા અને મહેન્દ્ર ઉર્ફે મલો દુદાભાઈ મકવાણાનાં નામ આપ્યાં છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ગામમાં આવેલી લવજીભાઈ રૂપાપરાની મોટર રીવાઈડિંગની દુકાનમાં કામ કરે છે. થોડા દિવસો પહેલા પૂર્વ સરપંચ ચંદુભાઈ અહીં શેઠની દુકાને આવ્યાં હતાં અને કોરા કાગળમાં શેઠ લવજીભાઈને અને મને સહી કરવાનું કીધું હતુ આથી મે ગામનાં પૂર્વ સરપંચ હોવાથી અને ઓળખતાં હોવાનાં લીધે મે અને શેઠે કોરા કાગળમાં સહી કરી દીધી હતી. જેનાં થોડા સમય બાદ ચંદુભાઈને સહી બાબતે પૂછયું હતું કે, તમે સહી કરાવી છે કોરા કાગળમાં તેમાં કંઈ થશે નહીં ને?
આથી તેનું મનદુઃખ રાખી ચંદુભાઈએ મને ફોન કરી કહ્યું હતુ કે, વાડીએ મોટર ચેક કરવાની છે આથી હું તેની સાથે વાડીએ ગયો હતો ત્યાં જઈ મોટર કયાં છે ચેક કરી લઈએ પૂછતાં ચંદુભાઈએ કહ્યું કે, તને ચેક કરવો છે, કહી ગાળાગાળી કરવા લાગ્યાં હતાં એટલી વારમાં તેનો દિકરો નિલેશ ઉર્ફે ટકો અને મહેન્દ્ર ઉર્ફે મલો પણ ત્યાં આવી ગયાં હતાં મહેન્દ્રએ મને પકડી રાખ્યો હતો અને ચંદુભાઈ અને તેનાં પુત્રએ લાકડાનાં કટકા તેમજ લોખંડનો પાઈપથી માર માર્યો હતો. આ બાબતે કોઈને કહીશ તો ગોત્યો નહીં જડે તેવી ધમકી આપી હતી. બનાવના પગલે પોલીસે યુવકની ફરીયાદ પરથી પિતા-પુત્ર સહિત ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.