તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણ ઘટના:જેતપુરના ખીરસરા રોડ પરના નારપાટ ચેકડેમમાં ન્હાવા પડેલા ત્રણ જુવાનિયા ડૂબ્યાં, બે મૃતકો માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા

જેતપુર13 દિવસ પહેલા
ડેમમાં ડૂબેલા ત્રણેય યુવકોની ફાઇલ તસવીર

જેતપુર શહેરના ખીરસરા રોડ પર આવેલા નારપાટ ચેકડેમમાંથી એક અજાણ્યો યુવાનની લાશ તરતી હોવાનું સીટી પોલીસને જાણ થતાં પોલીસે મૃતકની લાશ પાણીમાંથી બહાર કઢાવી હતી. અને ત્યાં સ્થળ પરથી બે મોટર સાયકલ સહિત મોબાઈલ મળી આવ્યા હતા. જેથી પોલીસે બંને મોટર સાયકલ અને મોબાઈલ પોલીસ સ્ટેટ્સને લઈ મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડી હતી અને પોલીસે મૃતક યુવાનનો ફોટો ઓળખાણ મેળવવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મૃતકની તરત જ ઓળખ થઈ ગઈ હતી.

ત્રીજો યુવક પણ પથ્થરોમાં ફસાયેલો મળી આવ્યો હતો
ત્રીજો યુવક પણ પથ્થરોમાં ફસાયેલો મળી આવ્યો હતો

અન્ય બે વ્યક્તિ ઘરે ન પહોંચતા મોટો પ્રશ્ન સર્જાયો
મૃતક શહેરના જીન પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ ધર્મેશભાઈ મકવાણા(ઉ.વ. 18) નામના યુવાનની ઓળખ થઈ હતી. જ્યારે ત્યાંથી મળેલ બે મોટર સાયકલ અને મોબાઈલ સ્થળ પરથી પોલીસને એવું જાણવા મળેલ કે, મૃતક સાથે તેમના પડોશમાં રહેતો પંકજ વાસવાણી (ઉ.વ.18) અને મતવા શેરીમાં રહેતો સુમિત સોલંકર મરાઠી (ઉ.વ.19) નામના બે યુવાનો પણ સાથે ન્હાવા ગયા હતા અને તે બંને તેમના ઘરે હજુ સુધી આવ્યા ન હતાં. જેથી આ બંને યુવાનો ચેકડેમમાં પાણીમાં જ હશે કે બીજે ક્યાંય? તે એક મોટો પ્રશ્ન સર્જાયો હતો.

અન્ય બે મૃતકોની તસવીર
અન્ય બે મૃતકોની તસવીર

શંકાના આધારે પોલીસે તપાસ કરતા બે મૃતકો મળ્યા
સ્થળ પરથી મળેલી મોટર સાયકલ અને મોબાઈલ પરથી કદાચ બંને યુવાનો ચેકડેમમાં જ હશે તેવી શંકાના આધારે પોલીસે નગરપાલિકાની ફાયરની ટીમ તેમજ સેવાભાવી તરવૈયાઓની મદદથી રાત્રિના અંધારામાં ચેકડેમના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. જેમાં પંદરેક મિનિટમાં પંકજનો મૃતદેહ પાણીમાં અંદર પથ્થરો વચ્ચે ફસાયેલ મળી આવ્યો. તેને બહાર કાઢી શબવાહિનીમાં પીએમ માટે મોકલી તરવૈયાઓએ સુમિતની શોધખોળ હાથ ધરી હતી. ત્યાં દસેક મિનિટમાં સુમિતનો મૃતદેહ પણ પાણીમાં અંદર પથ્થરો વચ્ચે ફસાયેલ મળી આવ્યો હતો.

બે મૃતકો માતા-પિતાનું એકમાત્ર સંતાન હતા
એક મૃતદેહ સરકારી હોસ્પિટલે પીએમમાં હતો ત્યાં બીજા બે મૃતદેહ આવતા હોસ્પીટલે પહેલાથી જ ઉપસ્થીત મૃતકોના સ્વજનો કરૂણ આક્રંદે ચડ્યા હતા. સરકારી હોસ્પિટલના ચોગાનમાં ગમગીની છવાય ગઈ હતી. મૃતકોમાં સાહિલ અને પંકજ તેમના માતાપિતાનું એકમાત્ર સંતાન હતાં. જ્યારે સુમિત બે ભાઈઓ છે. જેમાં સુમિત તો હાલ સુરત ખાતે રહે છે તે ચારેક દિવસ પૂર્વે જ જેતપુર આવ્યો હતો અને બે દિવસમાં સુરત નીકળી જવાનો હતો. પરંતુ કાળને કદાચ તે મંજૂર નહીં હોય જેથી એક સાથે ત્રણ ત્રણ કંધોતર તેમના માતા પિતાએ ગુમાવ્યા.

અન્ય સમાચારો પણ છે...