ધરપકડ:જેતપુરમાંથી સાઇકલ ચોરી કરનાર ત્રણ પકડાયા: 26 સાઇકલની તસ્કરી

જેતપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુદા જુદા વિસ્તારોના ટ્યૂશન ક્લાસીસ અને શાળાઓમાંથી ચોરી કરતા હતા
  • સિટી પોલીસે 1.38 લાખની સાઇકલો કબજે લઇ જરૂરી કાર્યવાહી આરંભી

જેતપુરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ટ્યુશન કલાસ તેમજ શાળામાંથી સાયકલની ચોરી કરનાર 3 શખ્સને તત્કાલ ચોકડી પાસેથી ઝડપી 26 સાયકલ (કિંમત.1,38,000) મુદામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.જેતપુરમાં એક સ્પોર્ટ્સ સાયકલ ચોરીની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનાની તપાસ હાથ ધરી હતી. જેમાં શહેરમાં લગાવવામાં આવેલ સરકારી તેમજ ખાનગી સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરાતા એક ખાનગી રેસ્ટોરન્ટના સીસીટીવીના ફુટેજમાં આવી સાઇકલ ચોરીને લઇ જતો એક શખ્સ નજરે પડ્યો હતો.

આ અંગે પોલીસ આજે પેટ્રોલિંગમાં હતી ત્યારે સીસીટીવી ફુટેજમાં દેખાતો શખ્સ તેના બે સાગરીત સાથે તત્કાલ ચોકડી પાસે ઉભેલો હોવાની બાતમી મળતા પોલીસ પી.આઈ. કરમુર તથા તેમના સ્ટાફે ત્યાં જઈ તપાસ કરતાં ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયને નામ સરનામાં પૂછતાં તેઓએ પોતાના નામ વિપુલ ઉર્ફે બકરી મંગાભાઇ ઠાકોર, સુનીલ ઉર્ફે સુનીયો ગોપાલભાઇ સોલંકી તેમજ મુકેશભાઇ ઉર્ફે ઘોઘો કારાભાઇ રાણવા (રહે ત્રણેય ધોરાજી) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વધુ પુછપરછ કરતા ત્રણેય શખ્સે ગુનાની કબુલાત આપી હતી, અને ચોરી કરેલી સાઇકલો ધોરાજી રહેણાંક મકાનમાં સંતાડેલી હોવાનું જણાવતા પોલીસે ધોરાજી મુકામે જઇ ત્રણેય ઇસમના મકાનેથી 26 સાઇકલ (કિં.1,38,000)ની કબ્જે કરી હતી. આ ત્રણ શખ્સ મોટા ભાગે બપોરનો સમય પસંદ કરી અલગ અલગ શાળાઓ, ટ્યુશન કલાસીસ તથા ઘરની બહાર પાર્ક કરેલી સ્પોર્ટ સાઇકલોના લોક તોડી ચોરી કરતા. આરોપીઓમાંથી સુનીલ ઉર્ફે સુનીયા અગાઉ પણ વાહન ચોરીમાં ધોરાજી પોલીસના હાથે પકડાઇ ચૂકયો છે.

અન્ય સમાચારો પણ છે...