આક્રોશ:જેતપુરમાં ભૂગર્ભની નવી લાઇન નાખવાની માંગ સાથે મહિલાઓએ રોડનું કામ અટકાવ્યું

જેતપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાપુની વાડી વિસ્તારમાં સિમેન્ટ રોડના ચાલતા કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ
  • રસ્તા ખોદી નખાયા અને પાણીની કુંડીઓ જામ થતાં પાણી ઘરમાં જ આવતું હોવાનો આક્રોશ

જેતપુર શહેરના બાપુની વાડી વિસ્તારમાં છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા સીમેન્ટ રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની અને પાણીની મોટી લાઈન નાખવાની માંગણી સાથે મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી અને રણચંડી બનીને રોડની કામગીરી બંધ કરાવી હતી. શહેરના વોર્ડ નંબર ૭માં આવેલા બાપુની વાડી વિસ્તારમાં કોળી લાઈન વિસ્તારનો સીમેન્ટ રોડ વીસ વર્ષ પૂર્વે બનાવાયો હતો. ત્યારબાદ ભૂગર્ભ ગટર તેમજ અન્ય ખોદાણના કારણે રસ્તો ઠેરઠેરથી તૂટી ગયો હતો.

જેથી સ્થાનિકોની માંગને કારણે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં અઢી મહિના પૂર્વે જૂનો રોડ ખોદી નવો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખોદી નાખેલા રોડ પર પગપાળા ચાલવું પણ મુશ્કેલ હોય તો વાહન તો ચાલે જ ક્યાંથી? જેથી સ્થાનિકોને પોતાના વાહનો દૂર મૂકી ઘરે પગપાળા આવવું પડે, જેમાં ખાડાઓમાં પડી જતા એક સ્થાનિક યુવાનનો હાથ તેમજ એક મહિલાનો પગ પણ ભાંગી ગયો છે.

આટલી બધી મુશ્કેલી હોવા અને મંથર ગતિએ કામગીરી ચાલતી હોવા છતાં સારા રોડની આશાએ સ્થાનિકો ચૂપચાપ બધું સહન કરી લેતા હતા અને જેટલો રોડ બન્યો તે પણ ભ્રષ્ટાચાર યુક્ત નબળો બન્યો તેમજ ભૂગર્ભની પાણીની કુંડીઓ જામ થઈ ગઈ હોવાથી ગટરનું ગંદુ પાણી રિવર્સ પાછું ઘરમાં જ આવતું હોય અને પાણીની તૂટેલી લાઈનો પણ રીપેર ન થઈ હોવાથી પાણી વિહોણી મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો. અને સ્થાનિક મહિલાઓએ પાણીની ચાલીસ વર્ષ જૂની ત્રણની લાઈન સાવ જર્જરિત થઈ ગઈ હોવાથી નવી છ ઇંચની લાઈન નાખવાની તેમજ ભૂગર્ભ ગટરની કુંડીઓ સફાઈ કરવાની સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. અને જ્યાં સુધી નવી લાઈન નાખવામાં નહિ આવે ત્યાં સુધી રોડનું કામ કરવા દેવામાં નહિ આવે તેવી માંગ સાથે રોડનું કામ બંધ કરાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...