બેદરકારી:જેતપુરની ભાદર નદીમાં પ્રદૂષણની માત્રા વધી

જેતપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત છતાં અમુક એકમોની ગુનાહિત બેદરકારી સામે GPCBનું મૌન

જેતપુરને સાડી ઉદ્યોગે આગવી ઓળખ અપાવી છે, ઉદ્યોગ અનેકોને રોજગારી આપી રહ્યો છે, બીજી તરફ ઉદ્યોગમાંથી નીકળતા પ્રદુષિત પાણીનું ભાદર નદીમાં ભળવું, તેના લીધે પાણી પીવાલાયક ન રહેવું એ મોટી કઠણાઇ બની ગઇ છે. જીપીસીબીની સ્પષ્ટ ગાઇડલાઇન, શહેરમાં ચાર ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં અમુક એકમો સાડીનું પ્રદુષિત પાણી સમ્પમાં ઠાલવવાને બદલે સીધું જ નદીમાં ઠાલવી દે છે. જાગૃત પ્રહરીઓએ જીપીસીબીના અધિકારીઓનું ધ્યાન દોર્યું તો તેમની જવાબદારીઓની ખો આપવાની નીતિના લીધે પ્રશ્ન ઉકેલાવાને બદલે ગૂંચવાયો છે.

જેતપુર, ધોરાજી, ઉપલેટાના શહેરો, ગ્રામ્ય વિસ્તારની જીવાદોરી સમાન ભાદર નદીને જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ વિભાગના એકમોએ નદીને પ્રદૂષિત કરી છે. ડાઇંગ અને પ્રિન્ટિંગ વિભાગના એકમોએ ફેલાવેલા પ્રદુષણના પાપે નદીનું પાણી પીવાલાયક તો ઠીક, સિંચાઈ કે ઘરકામમાં ઉપયોગમાં લઇ શકાય તે લાયક રહ્યું નથી. ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા જેતપુરમાં 4 ફિલ્ટર પ્લાન્ટ સક્રિય છે, કારખાનેદારોએ ફિલ્ટર પ્લાન્ટમાં કલર કેમિકલયુક્ત પાણી ફિલ્ટર કરીને શુદ્ધ પાણી ભાદરમાં ઠાલવવાનું હોય છે પરંતુ અમુક સાડીના એકમો સીધું જ ભાદરમાં ઠાલવી રહ્યા છે.

જેના લીધે પંથકમાં જળાશયો, ભૂગર્ભ જળ પ્રદુષિત થઇ રહ્યા છે. પરંતુ પ્રદુષણ બોર્ડ અને નગરપાલિકા દ્વારા આવા કારખાનેદારો વિરુદ્ધ દંડ કે ક્લોઝરની કાર્યવાહી કરાતી નથી. તાજેતરમાં જ જેતપુરના જાગૃત પ્રહરીઓએ જીપીસીબીના અધિકારી વાઘેલાને ભાદરનદીમાં કેમિકલયુક્ત પાણી છોડતાં એકમ બાબતે ટેલિફોનિક જાણ કરી હતી પરંતુ, આ અધિકારીએ નીચલા અધિકારીને જાણ કરીશ અને હમણાં જ ઘટના સ્થળે તપાસ કરાવીશ એવી બાંહેધરી આપી હતી પરંતુ, કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા જીપીસીબીની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ જાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...