તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોત પાછળ જવાબદાર કોણ?:ગંભીર દર્દીને લઇ જતી 108 ખોટવાઇ, 20 મિનિટ પછી આવી પણ ઓક્સિજન નહોતો, જૂનાગઢ પહોંચ્યા તો તબીબે કહ્યું, ‘15 મિનિટ વહેલા આવ્યા હોત તો યુવાન બચી જાત’

જેતપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
બિરેન જીતેન્દ્રભાઈ જયસ્વાલની ફાઇલ તસવીર - Divya Bhaskar
બિરેન જીતેન્દ્રભાઈ જયસ્વાલની ફાઇલ તસવીર
  • જેતપુરમાં રહેતા અને ખાનગી બેન્કના લોન વિભાગમાં નોકરી કરતા યુવાનને અગાસી પર વીજકરંટ લાગતા નીચે પટકાવાથી ઇજા થઇ હતી
  • જેતપુરના તબીબે કહ્યું હતું કે, આરામથી પહોંચી જશો

જેતપુરમાં વીજ શોક લાગવાથી અગાસી પરથી પકટાયેલા યુવાનને સારવાર માટે જૂનાગઢ લઈ જતી વેળાએ પહેલાં એમ્બ્યુલન્સ ખોટકાઈ. આથી દર્દીના સગાએ તાબડતોબ 108 ઇમરજન્સી સેવાને ફોન કર્યો અને એ એમ્બ્યુલન્સ આવે ત્યાં સહેજે 20 મિનિટનો સમય વીતી ગયો. કઠણાઇ તો એ હતી કે જે 108 વાન આવી તેમાં ઓક્સિજન સુવિધા ન હતી. આથી તરત જ ખોટકાયેલી એમ્બ્યુલન્સમાંથી ઓક્સિજન સિલિન્ડરને ટ્રાન્સફર કરીને યુવાનને જૂનાગઢ લઇ જવાયો પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઇ ગયું હતું અને જૂનાગઢ સિવિલના તબીબે કહ્યું કે અફસોસ.. તમે પંદર મિનિટ વહેલા આવ્યા હોત તો યુવાનની જિંદગી બચી શકી હોત. હવે જો સિવિલની વાનમાં પુરતો ઓક્સિજન બાટલો હોત તો એક માતાનો લાડકવાયો, એક વર્ષ પહેલાં જ પરણીને આવેલી પત્નીનો પતિ અને બે બહેનનો એકનો એક ભાઇ જીવિત હોત.

શહેરનાં ધોરાજી રોડ પર રહેતાં અને શહેરની એચડીએફસી બેન્કનાં લોન વિભાગમાં નોકરી કરતા બિરેન જીતેન્દ્રભાઈ જયસ્વાલ ઉ.વ.૨૬ અગાસી પર હતો. ત્યારે બાજુમાંથી પસાર થતી ૧૧ કેવીની વીજ લાઈનમાં બિરેનના હાથમાં રહેલો લોખંડનો પાઈપ અડી ગયો. આથી જોરદાર કરંટ લાગતાં બિરેન અગાસી પરથી નીચે જમીન પર પટકાયો હતો. પરિવારજનોએ સરકારી હોસ્પિટલે લઈ જતાં ફરજ પરનાં તબીબે પ્રાથમિક સારવાર આપી ઓક્સિજન લગાવી વધુ સારવાર માટે સિવિલની એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ રીફર કર્યો હતો.

હજુ તો એમ્બ્યુલન્સ જેતલસર ચોકડી પાસે પહોંચતાં જ ખોટકાઈ. જેથી બિરેનના સગાએ ૧૦૮ને બોલાવી હતી. જે 20 મિનિટ બાદ આવી પહોંચતાં બિરેનને તેમાં ફેરવવામાં આવ્યો. પરંતુ ખાટલે મોટી ખોટ કે એ એમ્બ્યુલન્સમા ઓક્સિજનની સુવિધા ન હતી. આથી ખોટકાયેલી વાનમાંથી સિલિન્ડર લગાવી ફરીથી લગાડવામાં આવ્યું અને જૂનાગઢ પહોંચ્યા ત્યાં સુધીમાં બિરેનના શ્વાસ ખૂટી ગયા હતા. જેતપુર સિવિલમાં ફરજ પરનાં ડોકટરે ઓક્સિજન ચડાવતી વખતે જણાવ્યું હતું કે જૂનાગઢ સુધી આરામથી પહોંચી જશો. પરંતુ કઠણાઇ પીછો છોડતી ન હતી, બિરેનના શ્વાસ ખૂટી રહ્યા હોઇ, તેને તાત્કાલિક ઓક્સિજન વગર જ જૂનાગઢ પહોંચાડ્યો.ત્યારે ફરજ પરના તબીબે અફસોસ સાથે કહ્યું કે જો પંદર મિનિટ પહેલાં લાવ્યા હોત તો બીરેનને બચાવી શકાયો હોત.

બિરેનના મોત પાછળ જવાબદાર કોણ?
આ બનાવમાં બિરેનનાં મોત પાછળ જવાબદાર કોણ? જેતપુર સરકારી હોસ્પિટલ કે જે એ ગ્રેડની હોવા છતાંય મામૂલી ઈજામાં પણ ઈજાગ્રસ્તને રીફર જ કરી આપે છે તે ? કે પછી અધવચ્ચે ખોટકાઈ જતી ભંગાર હાલતની એમ્બ્યુલન્સ રાખવાં બદલ અધિક્ષક? કે સિલિન્ડર આખો ભરેલો છે તેમ કહેનારા તબીબ? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

વર્ષ પહેલાં લગ્ન થયા’તા, માતાનો એકમાત્ર સહારો હતો
બિરેન તેની માતાનો એક માત્ર સહારો હતો. હજુ એક વર્ષ પૂર્વે જ પરણેલા બિરેનની પત્ની પર પતિનાં આકસ્મિક મોતથી આભ ફાટી પડ્યું હતું. અને બે પરીણિત બહેનોનો એકનો એક ભાઈ કાયમ માટે છીનવાઈ ગયો‌.

અન્ય સમાચારો પણ છે...