લાભાર્થીઓમાં દેકારો મચી ગયો:જેતપુરની 75 પૈકી એક દુકાનને સસ્તા અનાજનો પુરવઠો

જેતપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિનાના અંતમાં જ પુરવઠો આપવાનો સિલસિલો વહીવટી તંત્રે જાળવી રાખતા ઊહાપોહ

જેતપુર શહેર, તાલુકામાં રાહતભાવની દુકાનોમાં અપાતું અનાજ મહિનાના અંતમાં જ આપવાનો સિલસિલો જારી રાખવાનો હોય તેમ ચાલુ મહિનો અડધો પૂરો થઈ ગયો છતાંય ૭૫ દુકાનમાંથી માત્ર એક જ દુકાનને હજુ સુધી સરકારી ગોડાઉનમાંથી અનાજ આપવામાં આવ્યું છે, બાકીની દુકાનોને જથ્થો ક્યારે અપાશે તે અંગે પણ કોઇ જાહેરાત ન કરાતાં લાભાર્થીઓમાં દેકારો મચી ગયો છે.

શ્રમિકો, અંત્યોદયો પરિવારોને ગુજરાન ચલાવવામાં મદદરૂપ થવા માટે સરકાર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય રાહત ભાવની દુકાનો દ્વારા રાશન કાર્ડ પર દર મહિને નિર્ધારિત કરેલો અનાજ પુરવઠો આપવામાં આવે છે. પરંતુ જેતપુરના સરકારી ગોડાઉનમાં અનાજ પુરવઠો સમયસર ન આવવાથી દુકાનદારો રાશનકાર્ડ ધારકોને સમયસર પુરવઠો આપી શકતા નથી.

જેના કારણે શહેર તાલુકાની ૭૫ જેટલી દુકાનોના ૩૨,૨૮૫ જેટલા કાર્ડ ધરકોમાં ઉહાપોહ ફેલાઇ ગયો છે. ગયા મહિનાના પુરવઠો 21 દુકાનદારોને મહિનાની છેલ્લી તારીખે મળ્યો જેના કારણે ઓક્ટોબરનું અનાજ નવેમ્બરમાં દુકાનદારોએ વિતરણ કરવું પડ્યું અને નવેમ્બરનું અનાજ તો અડધો મહિનો પૂરો થઈ ગયો છતાંય હજુ એક જ દુકાનદારને મળ્યું છે.

શા કારણે વિતરણમાં થાય છે ઢીલ ?
સરકારી ગોડાઉનના મેનેજર રમેશ કુમારખાણીયાને પૂછતાં તેમણે ઉમેર્યું હતું કે, પુરવઠો જિલ્લા મથકેથી જ મોડો આવે છે. જેતપુરની ૭૫ દુકાનમાં તમામ અનાજના થઈને ૨૫ હજાર કુલ કટ્ટા પુરવઠો આવે અને આ પુરવઠો દુકાનો સુધી પહોંચાડવા નિયમ પ્રમાણે કોન્ટ્રાક્ટરે ૧૫ મજૂર રાખવા પડે છે. નિર્ધારિત મજૂર કરતા એક મજૂર ઓછો હોય તો પ્રત્યેક દિવસની એક હજાર રૂપિયા કોન્ટ્રાકટરને પેનલ્ટી લાગે ત્યારે અહીં ગોડાઉનમાં ૧૨ મજૂર હોવાથી કોન્ટ્રકટરને દરરોજ ત્રણ હજાર પેનલ્ટી લાગે છે.

ઉપરાંત ૨૫ હજાર કટ્ટા અનાજ જિલ્લા મથકેથી આવે ત્યારે પ્રત્યેકનું વજન કરવાનું હોય છે. પરંતુ પુરવઠો આટલો મોડો આવે અને ઓછા મજૂર હોવાથી તમામનું વજન કરવું શક્ય નથી. ઉપરાંત કોન્ટ્રાકટર એક દિવસમાં બે હજારથી 2500 કટ્ટાને દુકાને પહોંચાડી શકે. જેથી પચીસ હજાર કટા દુકાનોમાં પહોંચાડતા દસથી બાર દિવસ થાય અને અહીં ગોડાઉને તો મજૂર ઓછા છે. એટલે ચાલુ મહિને પણ જેતપુરમાં તમામ દુકાનો સુધી મહિનાનો અંત આવી જશે તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...