સમસ્યા:જેતપુરના એમજી રોડની શાક માર્કેટમાં ગટરના પાણીની રેલમછેલ

જેતપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાક લેવા આવો અને રોગચાળો ઘરે લઇને જાઓ તેવી હાલત

જેતપુર શહેરના એમજી રોડ પર આવેલી મુખ્ય શાક માર્કેટમાં છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાઇને વહેતી હોવાથી વેપારીઓને ફરજિયાત દુર્ગંધ મારતા ગંદા પાણી પર વેપાર કરવો પડે છે. અને આવા શાકભાજી આરોગવાને કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ કથળી શકવાની શકયતા સેવાઈ રહી છે. શહેરના એમજી રોડ પરની શાક માર્કેટમાં છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટરની કુંડીઓ ઉભરાઇને તેના ગંદા પાણી માર્કેટમાં અંદર વહે છે. આ ગંદા પાણીને કારણે લોકો તાજા અને લીલા શાકભાજી લેવા જાય ત્યારે ત્યાંનો નજારો જોઈને અહીં સ્વાસ્થ્ય વર્ધક શાકભાજીને બદલે બીમારી થાય તેવી શાકભાજી મળતા હોય તેવો અહેસાસ થાય છે.

કેમ કે, ગટરના ગંદા પાણી માર્કેટમાં વહેતા હોય તે ગંદા પાણી પર જ શાકભાજીના થડા લાગેલ હોય છે. એટલે ગ્રાહકને ગંદા પાણી પર ઉભા રહીને જ ખરીદી કરવી પડે છે. બીજું કે કોઈ શાકભાજી થડામાંથી નીચે પડી જાય તો વેપારી તે ગંદા પાણીમાંથી લઈને ફરી થડામાં ગોઠવી દે છે. માર્કેટમાં આવી ગંદકીને કારણે ઘણા વેપારીઓના વેપાર ધંધા પણ ઠપ્પ થઈ ગયા છે. આ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે, આ ઉભરાતી ગટરો વિશે તેમના વિસ્તારના સદસ્યોને કેટલીયે વાર ફરિયાદ કરી પરંતુ કંઈ જ નિરાકરણ આવતું નથી. અને નગરપાલિકામાં પણ ફરિયાદ કરી તો કોઈ સાંભળતું જ નથી. આથી હવે તાકીદે કોઇ નિરાકરણ આવે તે ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...