તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતાજનક બાબત:જેતપુરમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, સિવિલ સહિત દવાખાનાઓમાં ભીડ

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જેતપુરમાં રોગચાળાએ માથું ઊંચકતા સિવિલની ઓપીડી અને લેબોરેટરી દર્દીઓથી ઊભરાઇ - Divya Bhaskar
જેતપુરમાં રોગચાળાએ માથું ઊંચકતા સિવિલની ઓપીડી અને લેબોરેટરી દર્દીઓથી ઊભરાઇ
  • જન્માષ્ટમીના તહેવારો પહેલાં જ વાઇરલ બીમારીએ માથું ઊંચક્યું

મિશ્ર ઋતુના લીધે સામાન્ય રીતે વાયરલ બીમારીઓ માથું ઉંચકતી હોય છે, હજુ કોરોનાનો હાઉ સાવ ગયો નથી એવામાં જેતપુરમાં ઋતુજન્ય રોગચાળો વધુ વકર્યો છે અને સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. સિવિલમાં ઓપીડી કેસમાં અનેકગણો વધારો નોંધાયો છે. તહેવારો નજીક આવી રહ્યા છે તેમ તેમ વાયરલ બીમારી વધતાં આરોગ્ય તંત્ર પણ ધંધેલાગ્યું છે. જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસભર ગરમી અને રાત્રે બર્ફિલો પવન, આવા વરસાદી વાતાવરણના કારણે વાઇરલ ઇન્ફેકશનથી થતા રોગનો ભરડો વધુ ચિંતાજનક બન્યો છે.

જેતપુર સિવિલ હોસ્પિટલની ઓપીડી, અને લેબોરેટરીમાં આવતા દરરોજના 300 થી 400 લોકો વાયરલ ઇન્ફેકશનના સકંજામાં સપડાતા હોવાની હકીકત સામે આવી છે, શહેરમાં શરદી-ઉધરસ, તાવ જેવા વાયરલ ઇન્ફેકશનના કેસમાં એકાએક ચિંતાજનક વધારો થયો હોવાનું ખૂદ જેતપુરના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થતા રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે. લેબોરેટરી, સિવિલ હોસ્પિટલના ઓપીડીમાંથી મોકલાતી વિવિધ બીમારીના કેસની વિગત અને આરોગ્ય કેન્દ્રમાં આવતા કેસ પરથી સરેરાશ રોજના જેતપુર સરકારી હોસ્પિટલમાં 300 થી 400 વધુ લોકો વાયરલ ઇન્ફેકશનનો શિકાર બની રહ્યા છે.

જ્યારે જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાયરસના ભરડામાં દવાખાનાઓમાં કતારો લાગી છે. સૌથી વધુ કેસ શરદી-ઉધરસ અને તાવના હોય છે. શરદી, તાવ, કળતર થવી, નાક સતત ટપકતું રહેવું, પેટ અને માથામાં સતત દુ:ખાવો થવો રોગચાળાના પ્રાથમિક લક્ષણો દેખાય રહ્યા છે. તહેવારો પૂર્ણ થયાં બાદ દર્દીઓની સંખ્યામાં હજુ વધારો થશે તેવી ભીતિ પણ આરોગ્ય અધિકારીઓએ વ્યક્ત કરી હતી. આરોગ્ય અધિકારીઓએ અપીલ કરી હતી કે લોકો સ્વેચ્છાએ જાગૃતી દાખવી રોગચાળાને અટકાવે અને શક્ય હોય ત્યાં સુધી તહેવારો નિમિતે બહાર હરવા ફરવા જવાનું કે ભીડમાં જવાનું ટાળે.

હજુ કોરોના સાવ ગયો નથી આથી લોકોએ સોશિયલ ડિસ્ટન્સ,માસ્ક,અને સેનિટાઇઝેશન ભૂલવાનું નથી જ. કોરોનાથી બચવા માટે રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનની કામગીરી યુદ્ધના ધોરણે વેગવંતી બનાવી છે ત્યારે જેતપુરના 11 જેટલા ગામોએ 100 ટકા વેક્સિનેશનનો ટાર્ગેટ પુરો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...