જેતપુરની અદાલતમાં પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત તેમના પરિવારની એક મિલકતના દાવાનો કેસ ચાલી જતાં કોર્ટે આ દાવો નામંજૂર કર્યો હતો અને પ્લોટ નં.14ની સંબંધિત મિલકતનું બાંધકામ જો પાલિકા દ્વારા જે તે સમયે નિયમિત કરાયું હોવાનું સાબીત થાય તો પૂર્વ ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, ઇજનેર તેમજ સર્વેયર સહિત 11 સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળની જોગવાઇઓ મુજબની કાર્યવાહી કરીને આ સમગ્ર કામગીરીનો રિપોર્ટ 90 દિવસમાં આપવા અદાલતે આદેશ કર્યો છે.
જેતપુરના નવાગઢમાં આવેલી કિંમતી જમીન કે જેના માટે ખોખર પરિવારના હલીમાબેન, ઇબ્રાહિમભાઇ, ઇસ્માઇલભાઇ, ગુલાબભાઇ, રસુલભાઇ, બાબુભાઇ, રોશનબેન અને જમાલભાઇએ પોતાની માલિકીની હોવાનો દાવો કર્યો હતો અને આ કેસ અદાલતમાં ચાલ્યો હતો. ઉલ્લેખનીય છે કે નવાગઢ કે જે આઝાદી અગાઉ દિલાવરગઢ તરીકે ઓળખાતું હતું અને નવાબે જે તે સમયે રાહતભાવે પ્લોટ આપ્યા હતા, પરંતુ અમુક લોકોએ તેમાં કોઇ બાંધકામ ન કરતાં આઝાદી બાદ આ જમીન ક્રમશ: ગ્રામ પંચાયત અને બાદમાં પાલિકાને મળી હતી.
બાદમાં આ સરકારી જમીન પર ખોખર પરિવારે માલિકીનો દાવો દાખલ કર્યો અને જે તે સમયે મિલકતને ઇમ્પેક્ટ ફી લઇને રેગ્યુલરાઇઝ કરી દીધી હોવાનુ જાણવા મળતાં અદાલતે આ બાબતની પણ નોંધ લીધી છે. આ દાવો કોર્ટમાં ચાલી જતાં જજ પરેશગીરી ગૌસ્વામીએ દાવો નામંજુર કર્યો હતો અને જણાવ્યું હતું કે આંક 101 અને 102 વાળા દસ્તાવેજોની ખરાઇ કરવી, તેમજ પ્લોટ નં. 14ની જમીનમાં બાંધકામ નિયમિત કરવામાં આવ્યું હોવાનું સાબીત થાય તો ઉપરોક્ત વાદીઓ, જેતપુર નવાગઢ નગર પાલિકાના જે તે સમયના બાંધકામ શાખાના સર્વેયર, ઇજનેર, ચીફ ઓફિસર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઇઓ મુજબની કાર્યવાહી કરી, કરેલી કાર્યવાહીનો રિપોર્ટ 90 દિવસમાં અદાલતને મોકલી આપવાનું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.