જેતપુરમાં સાડીઓની ઘડી અને ઇસ્ત્રી કરતા કેટલાક કારખાનેદારો પરપ્રાંતીય બાળકોને પગાર આપ્યા વગર, તેમને કારખાનામાં જ ગોંધી રાખી તેની પાસે મજૂરી કરાવતા હોવાની એક સંસ્થાને બાતમી મળતા સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્રણ કારખાનામાંથી 29 બાળમજૂરને મુક્ત કરાવી કારખાનેદારો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નવાગઢ વિસ્તારમાં આવેલા અને સાડીઓની ઘડી, ઇસ્ત્રીનું કામ કરતા કારખાનાઓમાં બાળમજૂરો રાખવામાં આવતા હોવાની એક સંસ્થાને બાતમી મળી હતી. જેના આધારે આ સંસ્થાએ ત્રણ કારખાનામાં દરોડો પાડતાં બાળ મજૂરીની કાળી બાજુ બહાર આવી હતી. આ કારખાનામાં યુપી, બિહારથી ઠેકેદારો મારફત બાળકોને મજૂરી કામ માટે લાવવામાં આવતા. અને છેલ્લા છ મહિનાથી કારખાનામાં ગોંધી રાખી પગાર આપ્યા વગર ફક્ત બે ટાઈમનું ભોજન આપી સખત બાળમજૂરી કરાવવામાં આવતી હતી.
પોલીસે શમ્સ આલમ ફીનીશિંગમાંથી 21, કાજલ ફિનીશીંગમાંથી 5 અને નીતા ફિનીશીંગમાંથી 3 બાળમજૂરને છોડાવ્યા હતા. તમામ બાળમજૂરનો કોવિડ ટેસ્ટ કરાવીને રાજકોટ બાળસુરક્ષા ગૃહ ખાતે મોકલાશે. તેમજ શમ્સઆલમ ફિનીશીંગના શમ્સ તરબેઝ અને ઠેકેદાર પપ્પુભાઈ, કાજલ ફિનીશીંગના પરસોત્તમભાઇ ગોરધનભાઇ ઢોલરીયા અને ઠેકેદાર અનિલ પાસવાન તેમજ નીતા ફિનીશીંગના નિસર્ગ કિરીટભાઈ પટેલ અને ઠેકેદાર અમિત કુમાર પાસવાન સામે ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.