ભયનો માહોલ:જેતપુરના કણકિયા વિસ્તારમાં આખલાયુધ્ધથી લોકોમાં ભય

જેતપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનોએ પાણીનો મારો ચલાવી છુટ્ટા પાડ્યા

જેતપુર શહેરમાં રખડતા પશુના કારણે અકસ્માતોના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે સતત વાહનોથી ધમધમતા કણકીયા પ્લોટ વિસ્તારમાં બે રખડતા આખલા વચ્ચે શિંગડાંયુદ્ધ જામ્યું હતું. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વહેતો થયો હતો. અને તંત્ર સામે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

બંને આખલાઓ યુદ્ધ દરમિયાન રોડ વચ્ચે આવી ગયા હતા અને રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જો કે કેટલાક યુવાનોએ ધોકા , લાકડી અને પાણીનો મારો ચલાવી બંને આખલાઓને છૂટા પાડવા અનેક પ્રયાસો કરતા બને અખલા છૂટા પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

શહેરમાં રખડતા પશુને અંકુશમાં લેવા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી જેના કારણે આવા દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે જેતપુરમાં શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ ઘણો વધી ગયો છે, ત્યારે રખડતાં પશુ દ્વારા માર્ગ વચ્ચે અવારનવાર જામતા યુદ્ધને કારણે અનેક રાહદારીઓ સહિત વાહનચાલકો તેનો ભોગ બની ઇજાગ્રસ્ત બનવાની સાથે સાથે મૃત્યુ પામતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે, છતાં આવા પશુઓને પકડવાની કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

જો કે આખલા યુદ્ધથી કોઈ પણ જાનહાની કે કોઈ નુકસાન થયું ન હતું. કેટલાક હિંમતવાન યુવાનો લાકડી લઇ યુદ્ધ કરતા આખલાઓને છોડાવવા પહોંચ્યા હતા તો કેટલાક લોકોએ પાણીનો મારો ચલાવી આખલાઓનો ક્રોધ શાંત કરવાની કોશિશ કરી હતી તેમ છતાં પાલિકાના નઘરોળ વહીવટી તંત્ર દ્વારા રખડ પશુઓને તાબે કરવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવતા પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ શહેરીજનો રોષ ઠાલવતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...