કામગીરી:જેતપુરમાં ભૂગર્ભ ગટરમાં પ્રદૂષિત પાણી ઠાલવતા કારખાનેદારોને નોટિસ

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 કારખાનાને 5.60 લાખનો દંડ, વધુ 7 કારખાનાને સુધરી જવા તાકીદ
  • બધી ગંદકી નદીમાં ઠલવાતી હોવાને લીધે પાલિકાનું આકરું પગલું

જેતપુર શહેરમાં સાડી ઉદ્યોગ હજારો લોકોને રોજી રોટી આપે છે. જેનાં કારણે શહેરનું ડેવલપમેન્ટ પણ થતું રહે છે પરંતુ અમુક કારખાનેદારોને બે જવાબદારી ભર્યા વલણને કારણે પ્રદૂષણનો મોટો પ્રશ્ન અવારનવાર ઉપસ્થિત થાય છે. હાલ કારખાનેદારો પોતાનાં કારખાનાનું પ્રદુષિત પાણી જાહેર નદી-નાળામાં ઠલવી દે છે. હદ તો ત્યારે થઇ કે પાલિકા દ્વારા સંચાલિત ભુગર્ભ ગટરમાં આવું પાણી છોડી દેવાતું હોવાની ફરિયાદ ઉઠી હોય, આ પાણીનાં કારણે ઘણાં લોકોનાં ઘરમાં નગરપાલિકાનાં પાણી વિતરણમાં કલરવાળુ પાણી આવવા લાગ્યું હોઇ લોકો આકરા પાણીએ થયા હતા અને આવા કારખાનેદારોને કડક સબક શીખવવા રજૂઆતોનો મારો ચાલ્યો હતો.

આથી પાલિકાએ આવા કારખાનેદારોને સાનમાં સમજી જવા નોટિસ ફટકારી છે. ચીફ ઓફિસરની સુચનાથી પાલિકાની સેનિટેશન ટીમે સર્વે કરી જે કારખાનેદારનાં ભુગર્ભ ગટરનાં કનેક્શનમાં કેમિકલ વાળું પાણી છોડાતુ હોય તેને નોટીસ આપવામાં આવી છે.

જેમાં નવાગઢ ખાતે કારખાનું ધરાવતાં એક કારખાનેદારને રૂ .૫,૬૪,૦૦૦ ની દંડની નોટિસ આપવામાં આવી છે અને તે રકમ બે દિવસમાં ભરપાઇ કરવા જણાવાયું છે, ઉપરાંત વધુ ૭ થી ૮ કારખાનેદારોને નોટીસ ફટકારવામાં આવી છે અને સાથોસાથ એવી પણ તાકીદ કરાઇ છે કે જો પાલિકાની ટીમ ગમે ત્યારે આવશે અને જો ગેરરીતિ જોવા મળશે તોનોટિસ પકડાવાશે.આથી પાલિકાના આ કડક કદમના પગલે પ્રદુષિત પાણી ભૂગર્ભમાં છોડતા આવા કારખાનેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે આ જરૂરી પણ હતું જ કેમકે આ અગાઉ પણ અનેકવાર કારખાનેદારોને તાકીદ કરવામાં આવી હોવા છતાં અમુક કારખાનેદારો સુધર્યા નથી.

દરેક સાડીના કારખાનાના ભૂગર્ભ ગટરના કનેક્શન કાપી નાખો : એસોસિએશન પ્રમુખ
જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનાં પ્રમુખ જયંતિભાઈ રામોલીયાએ જણાવ્યું હતું કે અમે ઠરાવ કરી પાલિકાને જણાવી દીધું છે કે દરેક સાડીના કારખાના ભૂગર્ભ ગટરનાં કનેક્શન કાપી નાખવા, જેથી આ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. પીવાના પાણીમાં કેમિકલ યુક્ત પાણી ભળે તે યોગ્ય નથી અને દરેક કારખાને જઈને ચેક કરવું શક્ય ન હોય દરેકનાં કનેક્શન કાપી નાખવામાં આવે જેથી પ્રશ્ન ઉપસ્થિત ન થાય.

અન્ય સમાચારો પણ છે...