તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:જેતપુર નગરપાલિકામાં ભૂગર્ભની આકરી વેરા વસૂલાત સામે આંદોલન

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂગર્ભનો ટેક્સ 1000, કનેક્શન ચાર્જ 1200 મળી 2200 વસૂલાતા રોષ

જેતપુર નવાગઢ નગરપાલિકાના કમરતોડ ભૂગર્ભ ગટરના ટેક્સ રૂપિયા 1000 અને ભૂગર્ભ ગટર કનેશન ચાર્જ રૂપિયા 1200 એમ કુલ 2200 ના અધધ ટેક્સ સામે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ સમિતિના સંચાલકે શહેરના તમામ વિસ્તારોમાં ફરીને લોકોને આ ટેક્સ વધારા સામે જાગૃત કરી ટેક્સ વધારાના વિરોધમાં સહી અભિયાન છેડવાની જાહેરાત કરી છે અને આંદોલનના મંડાણ કર્યા છે. લોકોનો એવો આક્રોશ છે કે અમુક વિસ્તારોમાં હજુ ભૂગર્ભ ગટર છે જ નહીં, અથવા તો કનેક્શન્સ પણ લેવાયા નથી ત્યારે આવડો વધારો કેવી રીતે ચલાવી લેવાય?

શહેર વિકાસ સમિતિનાં સંચાલક મનોજ પારઘીએ જણાવ્યું છે કે લોકો છેલ્લા દોઢ વર્ષથી ધંધા રોજગાર વગર પરેશાન છે. એમાં પણ ઘણા પરિવારોમા કોઇ સદસ્યને કોરોનાની બીમારી થઇ હોય તો મરણમૂડી પણ હોમાઇ ગઇ છે.

ત્યારે નગરજનો પર પાલિકાના પદાધિકારીઓએ ટેક્સના નામે કોરડો વીંઝ્યો છે. લોકોમાં એવો પણ સવાલ છે કે પાલિકાને લગતી સાર્વજનિક સમસ્યાઓના નિરાકરણ માટે પોતાનાં પ્રતિનિધિ તરીકે ચુંટીને પાલિકામાં જેને બેસાડ્યા એવા સદસ્યો આ ટેકસની રકમ બાબતે ચૂપ કેમ છે ? આથી શહેર વિકાસ સમિતિ એ પ્રતિનિધિઓની સામે ટેક્સ રદ કરો અથવા રાજીનામા આપોની માંગ સાથે લડત શરૂ કરી છે. જેમા શહેરનાં દરેક વિસ્તારોમાં જઈ લોકોને જાગૃત કરવા અને પાલિકાના ટેક્સના નિર્ણય વિરૂદ્ધ આવેદનપત્રમાં સહી કરાવવાના અભિયાનનો પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...