જેતપુરના મંડલીકપુર ગામે સરપંચ અને ઉપસરપંચના પતિએ તલાટીમંત્રી સાથે મળી લાખોનો ભ્રષ્ટાચાર કર્યાની તાલુકા પંચાયત સદસ્યએ પુરાવા સાથે વિકાસ કમિશ્નરને ફરિયાદ કરી પાંચેય વિરુદ્ધ આકરા પગલાં લઈ ડિસ્ક્વોલિફાઇડ કરવાની માંગણી કરી હતી. તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞેશ રાદડિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મંડલીકપુર ગામે સરપંચ તરીકે શિલ્પાબેન સેંજલિયા અને ઉપસરપંચ તરીકે જયાબેન સરવૈયા છે. પરંતુ વહીવટ તેમના પતિ જ કરે છે.
પંચાયતનો આર્થિક વહીવટ સરપંચ અને તલાટીમંત્રીની સંયુક્ત સહીથી કરવાનો હોય છે. પંચાયતના બે બેંકમાં ખાતા છે. રાજકોટ ડિસ્ટ્રિકટ બેન્ક જેમાં કોઈ બીલની રકમ ચૂકવણીમાં સરપંચ શિલ્પાબેન સહી કરે છે જ્યારે આઇસીઆઈસીઆઈ બેંકમાં આર્થિક વહીવટમાં કોઈને ચેક આપવામાં તલાટીમંત્રી સાથે તેણીના પતિ હરેશભાઇ સેંજલીયા સહી કરીને પૈસા ઉપાડે તેમજ ચુકવણી કરે છે.
ઉપસરપંચના પતિ પણ કેમ પાછળ રહી જાય? ઉપસરપંચના પતિ કેશુભાઈ સરવૈયાએ ગામની પાણીની લાઈન એક જ મહિનામાં છ થી સાત વાર રીપેર કરાવી હોવાનુ બિલ બનાવ્યું અને બિલ પણ પોતાના નામે જ ઉધારી નાખ્યું. તાલુકા પંચાયતના સભ્યે વધુમાં જણાવ્યું હતું કે આવા તો અનેક કૌભાંડ સરપંચ અને ઉપસરપંચ બંને સાથે મળીને આચર્યા છે.આ અંગે તલાટી મંત્રી એજાજ થયમનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેઓએ વાત કરવાની પણ તસદી લીધી ન હતી.
ફરિયાદ મળી છે, પુરાવાની તપાસ બાદ રિપોર્ટ ડીડીઓને કરીશું
જીજ્ઞેશ રાદડિયાની ફરીયાદ મળી છે અને તેઓએ આપેલા પુરાવાની ચકાસણી થઇ રહી છે તેમજ ભૂતકાળમાં કેટલી સહી પતિઓએ કરી , બિલ ઉધાર્યા છે તેમની તપાસ કરી તેનો રિપોર્ટ ડીડીઓને કરશું. > એન.ડી.કુગશિયા, ટીડીઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.