નવતર પ્રયોગ:જેતપુરમાં ચૂલા પર રોટલા બનાવી રાંધણગેસના ભાવવધારાનો વિરોધ

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા કોંગ્રેસે માથા પર બાટલા મૂકી રેલી કાઢી સૂત્રોચ્ચાર

જેતપુરના તીન બતી ચોકમાં મહિલા કોંગ્રેસ સમિતિએ માટીના ચૂલાઓમાં લાકડાનાં બળતણ સળગાવી તેના પર રોટલા શેકી ગેસના બાટલામાં ભાવ વધારાનો નવતર પ્રકારે વિરોધ કરી માથા પર બાટલા મૂકી તાલુકા સેવા સદન સુધી ભાજપ સરકાર હાય હાયના નારા સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનમાં અેવો આક્ષેપ કરાયો હતો કે મોંધવારી ઘટાડવાના લોભામણા સુત્રોનો ઉપયોગ કરી મતદારોને મોંઘવારી, ગરીબી નાબુદીના સપના બતાવી કેન્દ્રમાં ભાજપે સતા હસ્તગત કરી હતી. લાકડાના બળતણમાં ચૂલાઓ પર રાંધતી મારી બેનોને ધુમાડાઓથી આંખમાં આવતા આંસુ હું જોઈ નથી શકતો તેમ કહીને સો રૂપિયામાં ઉજાલા યોજના અંતર્ગત ગેસના બાટલાઓ આપ્યા અને હવે એવો ભાવ વધાર્યો કે કેટલાય બનેવીઓને આપઘાત કરવો પડ્યા જેવા નિવેદન સાથે પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી શારદા વેગડાએ મોંઘવારીનો વિરોધ કર્યો હતો.

ગેસના બાટલના ભાવ વધારાનો વિરોધ કરવા કોંગ્રેસની મહિલા કાર્યકરો દ્વારા શહેરના તીનબતી ચોકમાં વરસતા વરસાદે માટીના ચૂલામાં લાકડાંના બળતણ લાવી સળગાવી તેના પર રોટલા શેકી ગેસના બાટલાનો ભાવ વધારા સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

મોંઘવારી વિરુદ્ધ દેખાવો બાદ કોંગ્રેસની મહિલા કાર્યકરો માથા પર બાટલા ઉપાડી સુત્રોચાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી તાલુકા સેવાસદન ખાતે પહોંચી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે, ઉજાલાના બાટલા આપી રાશનકાર્ડમાં કેરોસીન બંધ કરી દીધું અને હવે બાટલાનો ભાવ પરવડે નહિ તેટલો કરી નાખ્યો ઉપરથી ઘઉં પણ માત્ર એક કિલો કરી નાખ્યા તો હવે રાહત ભાવે ઘઉં અને બાટલાઓ ન આપી શકવાના હોય તો આ બાટલાઓ પરત જમા કરી લો.

અન્ય સમાચારો પણ છે...