જેતપુર તાલુકાના સરધારપુર ગામની પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી આ શાળામાં અભ્યાસ કરતા નાના નાના વિદ્યાર્થી ભાઈ-બહેનોમાં ભારે ભયની લાગણી જોવા મળે છે. વાલીઓ પણ ભારે ચિંતા સાથે પોતાના બાળકોને આવી સરકારી શાળાઓમાં અભ્યાસ માટે મોકલી રહ્યા છે. ગમે ત્યારે પોપડાં માથે પડે તેવી હાલતમાં આ શાળાની ઇમારત હોવાથી અનેકવાર આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેના સમારકામ માટે કોઇ જ સત્તાધિશ આગળ આવ્યા નથી કે આ બાબતને ગંભીરતાથી લેવામા આવી નથી.
આથી જર્જરિત બનેલી શાળાનું તાકીદે સમારકામ કરીને વ્યવસ્થિત કરવી જોઇએ તેવી બાળકો અને વાલીઓમાં માગણી ઉઠી છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ આ બાબતે દરમિયાનગીરી કરવી જોઇએ અને વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણ વચ્ચે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ શાળામાં ભણતા બે બાળકોએ એવી કાકલુદી કરી હતી કે અમે ખાનગી શાળામાં ભણી શકીએ તેમ નથી, હવે તો આ શાળામાં આવતાં જ ડર લાગે છે. વારેવારે છત પર નજર જાય છે.
બાળકોને શાળા બહાર ભણવું હિતાવહ લાગે
એક વાલીએ ત્યાં સુધી કહ્યું કે વર્ષ 1978માં શાળા બની છે, ત્યારપછી તંત્રે આ શાળા સામું જોયું નથી. પરિણામે રીતસરની ખળભળી ગઈ છે. એક રૂમની દીવાલ પડી ગઈ છે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ શાળાના રૂમમાં ભણવાને બદલે બહાર ભણવાનું વધુ પસંદ કરે છે.
ત્રણ રૂમ તો તોડી નાખવા પડ્યા
ધારાસભ્યો અને સંસદસભ્યે કોઈ દિવસ સરદારપુર ગામની પ્રાથમિક શાળા સામે જોયું નથી. છેલ્લા બે-ત્રણ વર્ષથી આ શાળાના બે ત્રણ રૂમ અત્યંત જર્જરિત થઇ જવાથી પાડી નાખવામાં આવ્યા છે. તેને ફરીથી ઊભા કરવા માટે તેમના દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પણ આ સરકાર અને લાગતા વળગતા સત્તાધીશો મુક, બધિર હોય તેવું લાગે છે. - મનસુખ ડોબરિયા, પૂર્વ સરપંચ
હું તો કાગળિયા લખી થાકી, તંત્રના મનમાં નથી !
મેં જ્યારથી આચાર્ય તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી એટલે કે બે-ત્રણ વર્ષ પહેલાં જ શાળાના ત્રણ રૂમ અત્યંત જર્જરિત બન્યા હોવાથી ડેમેજ કક્ષામાં મૂકીને સત્તાધીશોને કહીને આ ત્રણે રૂમ પડાવી નાખવામાં આવ્યા હતા. આ શાળામાં છ જ રૂમ હતા. તેની સામે ત્રણ રૂમ જર્જરિત વ્યવસ્થાને કારણે પાડી નખાતા હાલના દિવસોમાં અઢીસોથી વધુ બાળકોને અભ્યાસ માટે બેસવાની સમસ્યા ઉભી થઈ છે. મેં આ મુદે રજૂઆતો કરી છે પરંતુ કોઈ સાંભળતું જ નથી, હવે મારાથી શું થઇ શકે ? - તરુલતાબેન, શાળાના આચાર્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.