તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાશવારે કોઇને કોઇ વિવાદ:જેતપુર પાલિકા પાસે કચરા માટે કોન્ટ્રાક્ટર નથી !

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરની કંપનીને ટિપરવાનનો કોન્ટ્રાક્ટ આપી મહિને 10.73 લાખ ચૂકવે છે

જેતપુર નવાગઢ નગર પાલિકા છાશવારે કોઇને કોઇ વિવાદને લીધે ચર્ચામાં રહે છે. પાલિકાને આખા શહેરમાંથી ઘરે ઘરેથી કચરો ઉપાડવા માટે કોન્ટ્રાક્ટર્સ નથી મળતા, અને છેક જામનગરની કંપનીને ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપવો પડ્યો છે એટલું જ નહીં, તેના માટે 10.73 લાખનું માસિક ચૂકવણું પણ પાલિકા કરી રહી છે, અને આવા કોન્ટ્રાક્ટર્સના અણઘડ ડ્રાઇવર્સ અવારનવાર બેફિકરાઇથી વાહન ચલાવીને અકસ્માત નોતરીને લોકોની જિંદગી સાથે ખેલી રહ્યા છે. લોકોમાંથી એવા પણ આક્ષેપ ઉઠે છે કે અમુક પાસે તો લાયસન્સ પણ નથી હોતા. પરંતુ કોઇ જોવા કે પૂછવાવાળું નથી એવું સાબીત થતાં આવા લોકોની મનમાની ચાલતી રહે છે અને માનવભોગ લેવાતા રહે છે.

પાલિકાની સેનિટેશન શાખાએ જામનગરની જહાન્વી કન્સટ્રક્શનને આ માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. પાલિકા પાસે પોતાના વાહનો કે જેમાં 17 ટીપર વાન અને 4 ટ્રેક્ટર છે જ. કોન્ટ્રાક્ટરે માત્ર ડ્રાયવરની જ વ્યવસ્થા કરવાની રહે છે. જે માટે પાલિકા કોન્ટ્રાક્ટરને દર મહિને 6.85 લાખ અને ટ્રેક્ટરના ઘન પોઇંટ માપ સાથે 5.44 લાખ ચુકવે છે જેમાંથી પોતાના વાહનોના 1.56 લાખ બાદ કરી રોકડા 10.73 લાખનું ચૂકવણું કરે છે. સેનિટેશન ચેરમેનને આ બાબતે જો કશું પૂછવામાં આવે તો તેમના પતિનો જવાબ મળે કે મને પૂછો ! જોવાની ખૂબી એ કે પાલિકાના ખખડધજ વાહનો હંકારીને ડ્રાયવર્સ છાશવારે લોકો પર જીવનું જોખમ ઉભું કરે એ લટકામાં.

ભંગાર વાહનોએ સર્જી બેદરકારીની પરંપરા
કચરા ભરેલા વાહનો માટે અકસ્માત સર્જવો એ તો સામાન્ય બાબત છે. ખોડિયારનગરની ઘટના તો તાજી જ છે. બે મહિના પહેલાં પણ વાન ચાલકની બેદરકારીથી સામાકાંઠે દેરડી રોડ પર વાન પલટી જતાં એક યુવાનનું મોત થયું હતું. ત્યાર બાદ વડલી ચોક પાસે કચરો ભરીને આવતા અને ઢાળ ઉતરતા ટ્રેક્ટરની બ્રેક ફેલ થતાં ચાલકે વીજ પોલ સાથે વાહન અથડાવી દીધું હતું. જો વીજ પોલ પડી ગયો હોત તો જીવંત વીજ વાયર ચાલક પર જ પડ્યો હોત. તેના ત્રણ દિવસ બાદ એ જ જગ્યાએ એ જ વાહનની બ્રેક ફેલ થતાં શાકભાજીની લારીને ઠોકર મારી દીધી હતી અને સામેથી આવતા બાઇક ચાલકને ફંગોળ્યો હતો. ચાલક બચી ગયો પરંતુ બાઇક ટ્રેક્ટર નીચે આવી ગયું હતું. આ યાદી તો ઘણી લાંબી થઇ શકે તેમ છે. કોન્ટ્રાક્ટરના વાહનો અને પાલિકાની ટીપર વાન એટલી હદે ખરાબ બની ગયા છે કે અકસ્માત ન થાય તો જ નવાઇ !

અન્ય સમાચારો પણ છે...