જેતપુરની જેતલસર ચોકડી પાસે નેશનલ હાઈ વે પર આવેલા રેલ્વેના ઓવરબ્રીજ પર પુલના એક ભાગને બીજા ભાગ સાથે જોડતા સાંધાઓ વચ્ચે દોઢ ફૂટ જેટલી પહોળાઈનો આખા સાંધાનો કોંક્રિટ તૂટી જતા પુલના સળીયા બહાર નીકળી ગયા છે અને લોખંડની પ્લેટ તૂટી ગઈ છે. જેથી પુલ હેઠળના રેલ્વેના પાટા નજરે પડવા લાગ્યા છે. અને આ પુલ પર મોરબી જેવો કોઈ મોટો અકસ્માત સર્જાય તે પેલા પુલનું સમારકામ કરવાની વાહન ચાલકોએ માંગ કરી છે.
જેતપુરની જેતલસર ચોકડી પાસે નેશનલ હાઈ વે પર રેલ્વેનો ઓવરબ્રીજ આવેલો છે. આ ઓવરબ્રીજ પર દરરોજ ટુ વ્હીલરથી માંડીને અસંખ્ય ભારેખમ વાહનો પસાર થાય છે. આ ઓવરબ્રીજ પર બે સાંધાઓના જોડતી જગ્યાઓ ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જેમાં બે સાંધાઓ વચ્ચેથી કોંક્રિટ તૂટી જતા પુલના સળીયા બહાર નીકળી ગયા છે. તેના પરથી ભારે વાહન પસાર થાય ત્યારે તે અને લોખંડનો સળિયો રીતસરનો હવામાં ઉછળી ઝોલાં ખાવા લાગે છે.
વાહન ધીમું ચાલે તો ફસાય, સ્પીડમાં જાય તો પલટે
પુલના બે ભાગને જોડતા સાંધા વચ્ચે સળંગ દોઢ ફૂટ જેટલી પહોળાઈમાં અને દસેક ઇંચ જેટલી ઉંડાઈનું કોંક્રિટ તૂટી જતા ટુ વ્હીલર તેમજ ઓટો રીક્ષા પસાર થાય ત્યારે ધીમી સ્પીડ કરતા તેમાં સલવાઈ જાય છે અને ધક્કા મારી બહાર કાઢવા પડે છે અને સ્પીડમાં ચલાવે તો પલ્ટી ખાઇ જવાની દહેશત રહે છે.
દુર્ઘટના સર્જાય તે પહેલાં સમારકામ જરૂરી
વાહન ચાલકોએ જો આ પુલને ત્વરિત રીપેર કરવામાં ન આવે તો કદાચ એકભાગ જુદો પડી ધરાશયી પણ થઈ જાય તેવી ભીતિ વ્યક્ત કરી છે. પુલની નીચેથી દરરોજ વીસથી પચીસ જેટલી ટ્રેન પસાર થાય છે અને બનવા જોગ જો ટ્રેન પસાર થતી હોય તે સમયે પુલ ધરાશયી થાય તો ખૂબ મોટી જાનહાનિ થઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.