તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાયરલ અને પાણી જન્યરોગોએ માથું ઉંચક્યું:ચાર તાલુકામાં શરદી, તાવ, ઉધરસના કેસમાં એક માસમાં 30થી 50%નો વધારો

જેતપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાયરલ બીમારી વધતાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. - Divya Bhaskar
વાયરલ બીમારી વધતાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.
  • કોરોનાના કેસ શૂન્ય પરંતુ બીજી તરફ જસદણ, ધોરાજી, ગોંડલ અને જેતપુરની સિવિલ હોસ્પિટલમાં સામાન્ય બીમારીથી ત્રસ્ત દર્દીઓ વધ્યા
  • જસદણમાં પહેલાં 200ની ઓપીડી હતી, હવે 300ની થઇ
  • ધોરાજીમાં એક માસમાં સામાન્ય રોગના 5000 દર્દી આવ્યા
  • જેતપુરમાં એક માસમાં 3200 જેટલા દર્દીએ લીધી સારવાર

કોરોનાનો કહેર ઘટી જતાં લોકોના મનમાંથી પણ હવે તેનો હાઉ ઓછો થઇ ગયો છે અને સરકારે નિયંત્રણો હળવા કરી દેતાં લોકો છૂટથી હરી ફરી શકે છે, બીજી તરફ ચોમાસું જામતું નથી અને મિશ્ર ઋતુના લીધે મોસમી બીમારીઓએ માથું ઉંચક્યું છે.એક સમય હતો કે લોકો કોવિડના લીધે સિવિલમાં સારવાર લેવા જવાનું ટાળતાં હતા, પરંતુ હવે કોરોનાના કેસ શૂન્ય થઇ જતાં લોકો ખાનગીની સાથે સાથે સિવિલમાં સારવાર લેવા પહોંચી ગયા હતા.

મોસમી બીમારીઓમાં શરદી, તાવ, ઉધરસ, મેલેરિયા, ફ્લુ, ડાયેરિયા, ટાઇફોઇડ જેવા વાયરલ અને પાણી જન્યરોગોએ માથું ઉંચક્યું છે. રાજકોટ જિલ્લાના જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજીની સિવિલમાંથી ઓપીડીના આંકડા ભાસ્કરે મેળવ્યા તો વિગત સામે આવી હતી કે છેલ્લા એક મહિનામાં ઓપીડીમાં 30 થી 50 ટકા દર્દીઓનો વધારો થયો છે.

જેતપુર શહેરમાં કોવિડ-19નો રોગ જ્યારથી શરૂ થયો ત્યારથી લોકો સામાન્ય બીમારીમાં સારવાર માટે હોસ્પીટલે જતાં ડરતા હતા. જેને કારણે મોટા ભાગના શહેરોની સરકારી હોસ્પીટલની ઓપીડીમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.

પરંતુ હવે કોવિડ -19 રોગ રાજ્યમાં નહિવત જેવો થવા લાગતાં લોકોનો ડર દૂર થતાં હવે ફરી હોસ્પીટલે કોવિડ-19ની સારવાર સિવાય અન્ય બીમારીની સારવારમાં પણ આવવા લાગ્યા છે. જેમાં જેતપુર શહેરમાં કોવિડ-19ને કારણે ઋતુજન્ય રોગોની ઓપીડી દૈનિક 50થી 75 જેટલી થઈ ગઈ હતી તે ફરી 100 જેટલી દૈનિક થવા લાગી છે. ગત ઓગષ્ટ મહિનામાં 3200 જેટલા દર્દીઓ તાવ, ઉધરસ, શરદી જેવી ઋતુજન્ય રોગોની સારવાર કરાવવા માટે સરકારી હોસ્પીટલે આવ્યા હોવાનુ હોસ્પીટલના અધિક્ષક નિખિતાબેન પડ્યાએ જણાવ્યું હતું.

જસદણમાં એક મહિનામાં જ 7704 દર્દી આવ્યા
જસદણમાં જાણે કે કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દઈ દીધી હોય તેવા ઘાટ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો જવા પામ્યો છે. જસદણની સિવિલ હોસ્પિટલમાં એક મહિના પહેલા દરરોજની 200 જેટલી ઓપીડી થતી હતી. પરંતુ છેલ્લા એક મહિનાથી દરરોજના તાવ, શરદી, ઉધરસના 300 જેટલા કેસો આવતા હોવાથી કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોય તેમ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળ્યો હતો. આ અંગે સિવિલ ના અધિક્ષક ડો.આર.એમ.મૈત્રીએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં એક મહિનામાં 7704 તાવ, શરદી, ઉધરસના દર્દીઓ નોંધાયા છે. એક મહિના પહેલા દરરોજની 200 ની ઓપીડી હતી અને છેલ્લા એક મહિનાથી 300 ને પાર ઓપીડી પહોંચી ગઈ છે. દરેક લોકોએ કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે. જોકે જસદણનું આરોગ્ય તંત્ર સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે ઝઝૂમવા ખડેપગે તૈયાર છે તેવું અંતમાં તેમણે જણાવ્યું હતું.

ધોરાજીમાં સરકારી અને ખાનગી બન્ને દવાખાના ઊભરાયા
ધોરાજીમાં ઋતુજન્ય રોગચાળો તાવ, શરદી, ઉધરસ , ઝાડાના દર્દીઓ વધી રહયા છે. સરકારીની સાથે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર માટે આવતા તાવ, શરદી, ઉધરસ , ઝાડા સહિતના રોગોના દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયને જણાવ્યું હતું શહેરમાં ઋતુજન્ય રોગચાળો તાવ, શરદી, ઉધરસ , ઝાડાના દર્દીઓ વધી રહયા છે. ઓપીડીમાં દરરોજ 200થી વધુ દર્દીઓ આવે છે. છેલ્લા એકાદ માસમાં આશરે પાંચ હજારથી વધુ ઋતુજન્ય રોગચાળા તાવ, શરદી, ઉધરસ , ઝાડાના કેસો નોધાયા છે.

  • 320 કેસ શરદી અને ઉધરસના ગોંડલમાં નોંધાયા
  • 170 કેસ મેલેરિયાના શંકાસ્પદ અને 2 પોઝિટિવ
  • 50 કેસ ટાઇફોઇડના શંકાસ્પદ અને ડાયેરિયાના 50 કેસ સામે આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...