જેતપુરમાં યુપીની પરિણીતા ચાર સંતાનને નોંધારા મૂકીને પ્રેમી સાથે પલાયન થઇ જતાં પતિની હાલત કફોડી બની ગઇ છે. બીજી તરફ પતિએ પત્ની ચાલી જતાં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે એવો જવાબ મળ્યો કે અરજી આપી દો, તપાસ કરીશું. અહીં ફરિયાદ ન લેવા અને માત્ર અરજી લેવા પાછળ પોલીસનું ક્યું ગણિત કામ કરે છે તે પોલીસ જાણે.
મૂળ યુપીના અને 17 વર્ષથી જેતપુર રહી લાદી કામ કરતા ત્રિલોકસિંહના લગ્ન 11 વર્ષ પહેલાં આરતી સાથે થયા હતા અને તેમને સંતાનમાં 3 પુત્રી અને 1 પુત્ર છે, અને સૌથી મોટી પુત્રી હજુ 5 વર્ષની જ છે. પતિ લાદીકામ માટે બનાસકાંઠા ગયો ત્યારે પાછળથી આરતી આ ચારે સંતાનને મૂકીને હરેશ નામના શખ્સ સાથે નાસી ગઇ હતી.
મોટી દીકરીએ પિતાને ઘટનાની જાણ કરતાં તે જેતપુર દોડી આવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જે તે સમયે પોલીસે બોલાવતાં હરેશને મોટી દીકરી ઓળખી ગઇ હતી અને કહ્યું હતું કે આ જ અંકલે મમ્મીને મોબાઇલ અપાવ્યો હતો. તેમ છતાં તેની ધરપકડ કરવાને બદલે પૂછપરછ કરીને જવા દીધો અને હવે પોલીસને આરતી કે હરેશ, કોઇનું લોકેશન મળતું નથી. તપાસનીશ અધિકારી અજીત ગંભીર, પીઆઇ દરજી સતત એક જ રટણ કરે છે કે તપાસ ચાલુ છે. ત્રિલોકસિંહે એવો પણ આક્ષેપ કર્યો છે કે હું તો ફરિયાદ કરવા ગયો હતો, અરજી જ શા માટે લેવાઇ? એએસપી બાગમાર તપાસનીશ અધિકારી પર ન્યાયી તપાસ માટે દબાણ ક્યારે કરશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.