તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જેતપુરમાં ટિપરવાનના તોતિંગ વ્હિલ હેઠળ ચાર વર્ષનું માસૂમ ફૂલ કચડાયું

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેફિકરાઇથી વાહન હંકારી ચાલકે ઘરની બહાર રમતાં બાળકના રામ રમાડી દીધા, વાન મૂકીને ચાલક ફરાર

જેતપુરના નવાગઢ વિસ્તારમાં શનિવારે સવારે એક કરૂણાંતિકા બની હતી અને ડોર ટુ ડોર કચરો ઉપાડવા આવતી ટીપરવાનના ચાલકે બેફિકરાઇથી વાહન હંકારીને ઘરની બહાર રમી રહેલા ચાર વર્ષના માસૂમ બાળકના માથા પર વાનના તોતિંગ વ્હીલ ફેરવી દેતાં બાળક લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો અને કમકમાટીભર્યું મોત થતાં પરિવારજનોના કરૂણ આક્રંદથી માહોલ ગમગીન બની ગયો હતો. લાગ જોઇને વાનનો ચાલક ફરાર થઇ જતાં તેની શોધખોળ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જેતપુરમાં કચરો ઉપાડનારા કોન્ટ્રાકટરના વાહનો તેમજ પાલિકાની ટીપર વાન એટલી હદે ભંગાર હાલતના થઇ ગયા છે કે તેમાં યાંત્રિક અને માનવીય ખામીને કારણે કોઇને કોઇ અકસ્માત સર્જાય જ છે. શનિવારે સવારે નવાગઢના ખોડીયાર નગર-૧માં રહેતા અને મૂળ યુપીના વિકાસ રાણાનો ચાર વર્ષનો પુત્ર આરવ ઘરની બહાર રમતો હતો. ત્યારે કચરો લેવા આવતા વાહન જીએ-૦૨ એજી ૦૩૩૭ નંબરના ચાલકે આરવને હડફેટે લેતા તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘર આંગણે જ અકસ્માત સર્જાયો હતો અને ત્યાં લોહીના ખાબોચિયાં ભરાઇ જતા બાળકના માતા પિતાના કરુંણ આક્રંદે સૌ કોઈના હૈયા હચમચાવી દીધા હતાં.

જેતપુર પાલિકા દ્વારા ઘનકચરાનાં ડોર ટુ ડોર કલેક્શન માટે જામનગરની એક કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે. વાહનના ડ્રાઈવરની બેદરકારીએ માસૂમનો ભોગ લઇ લીધો છે. આરવને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો ન હતો. તક જોઇ વાહન ચાલક ત્યાથી નાસી છૂટયો હતો.

અન્ય સમાચારો પણ છે...