તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મહિલાઓ, રોડ, રસ્તા, ગટર સહિતના પ્રશ્નોનો નિકાલ ક્યારે?, ચેરમેન, મારા પતિ જ બધો કારભાર સંભાળે છે મને ખબર નથી

જેતપુર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેતપુરમાં અસુવિધા મુદે રોષે ભરાયેલી મહિલાઓ રેલી કાઢી સેનિટેશન સમિતિના ચેરમેનના ઘરે પહોંચી

જેતપુર નગર પાલિકાના સત્તાધિશો નગરજનો સાથે વહાલા દવલાની નીતિ અપનાવતા હોઇ પ્રાથમિક સુવિધાના મુદે ઓરમાયું વર્તન દાખવતા હોઇ, વોર્ડ નં. 7ની મહિલાઓએ લાઉડ સ્પીકર સાથે રેલી યોજી તંત્રને પોતાનો અવાજ પહોંચાડ્યો હતો અને પાલિકા કચેરીએ આવેદન આપી રજૂઆત કરી હતી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ હજુ લોકો ભૂલ્યા નથી અને ભાજપને બહુમતીથી સત્તા આપી છે. પરંતુ ભાજપના આગેવાનો હજુ એ ચૂંટણીના નશામાં હોય તેમ લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં ઉણા ઉતરી રહ્યા છે.

લોકોને પાયાની ગણી શકાય તેવી રોડ, રસ્તા, ગટર સહિતની સુવિધા ન મળતાં જનાક્રોશ ફાટી નિકળ્યો છે. અને આજે મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી અને રેલી સ્વરૂપે લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરીને પાલિકા કચેરી પહોંચી હતી. મુખ્ય માર્ગો પર રેલી ફરી ત્યારે લોકોને અચરજ થયું હતું.

બાપુની વાડી ખાતેથી શરૂ થયેલી આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો એકઠાં થઇ ગયા હતા. અને સુત્રોચ્ચાર કરીને માર્ગો ગજવી મૂક્યા હતા. સેવાસદન પહોંચીને ચીફ ઓફિસરને આખી ઘટનાથી વાકેફ કર્યા હતા અને પાણી, રસ્તા, ગટર, સફાઇ, વીજળી સહિતના પ્રશ્નોના કેટલીયે રજૂઆતો છતાં ઉકેલ ન આવતાં હોઇ આ મુદે ધ્યાન હજુ પણ આપવામાં નહીં આવે તો આંદોલન છેડવાની ચીમકી આપી હતી.

આ તકે મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પહેલાં જ નેતાઓને લોકો અને તેમની સમસ્યા યાદ આવતા હોય છે, બાદમાં બધાં જ બધું જ ભૂલી જતા હોય છે. જો હવે તેમને સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ જશે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન છેડાશે.

ચૂંટાયેલા મહિલા સદસ્યોને જ સમસ્યાની જાણ ન હતી!
રોષે ભરાયેલી મહિલાઓ પહેલાં તેમના વોર્ડના ચૂંટાયેલા મહિલા સદસ્યો ગીતાબેન જાંબુકિયાના ઘરે પહોંચી હતી અને તેમને રજૂઆત કરતાં એવો આશ્ચર્યજનક જવાબ મળ્યો હતો કે મને આ બાબતની ખબર ન હોય, મારા પતિ જ બધું સંભાળે છે. તેમને એ પણ ખબર ન હતી કે પોતે કઇ સમિતિના ચેરમેન છે! ત્યાર બાદ આ જ વોર્ડના સેનિટેશન સમિતિના ચેરમેન સ્વાતિબેનના ઘરે મહિલાઓ પહોંચી ત્યારે તેઓ પણ જવાબ આપી શક્યા ન હતા, અને તેમના પતિએ જવાબ આપવાનો આગ્રહ રાખ્યો હતો, જો કે તેની સામે મહિલાઓએ જોરદાર વાંધો ઉઠાવ્યો હતો અને ઉમેર્યું હતું કે જેમને સત્તા આપવામાં આવી છેે તેમને કશી ખબર ન હોય, તો તેમના પતિના જવાબથી અમને સંતોષ કેવી રીતે હોઇ શકે?

અન્ય સમાચારો પણ છે...