રજૂઆત:જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓની દાદાગીરી, ફળદ્રુપ જમીન બંજર બની જતાં ખેડૂતો આકરાં પાણીએ

જેતપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયતનું જીપીસીબીને આવેદનપત્ર
  • રબારિકા, જાંબુડી, જેપુર, મતવાલાધાર વિસ્તારમાંથી સાડીના ધોલાઇઘાટનું પાણી નદીમાં છોડાય છે

જેતપુરના રબારીકા, જાંબુડી, જેપુર, મતવાલા ધાર વિસ્તારમાં કેટલાક પ્રદુષણ માફિયાઓ ગેરકાયદેસર સાડીઓના ધોલાઈ ઘાટ બનાવી તેનું પ્રદૂષિત પાણી છાપરવાડી નદીમાં છોડી દેતા હોવાથી પ્રેમગઢના ખેડૂતોની જમીન બંજર થઈ ગઈ હોય ખેડૂતોને વળતર આપી ધોલાઈ ઘાટ બંધ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર ગ્રામ પંચાયતે જીપીસીબીને આપ્યું હતું.

પ્રેમગઢ ગ્રામ પંચાયત દ્વારા પ્રદુષણ બોર્ડની કચેરીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે કેટલાક પ્રદુષણ માફિયાઓએ કાંઠા વિસ્તારમાંથી પસાર થતી છાપરવાડી નદીકાંઠે ગેરકાયદેસર સોફર, ધોલાઈ ઘાટ બનાવી પ્રદૂષિત પાણી નદીમાં વહાવી દે છે. જેના કારણે પ્રદૂષિત પાણી ગામની મોટા ભાગની ખેતીની જમીનના તળમાં લાગી ગયું હોવાથી બોર, કુવાઓમાં પણ લાલ પ્રદૂષિત પાણી આવે છે અને પાણીથી ખેતી કરવાને કારણે ખેડૂતોની જમીનો બંજર બની ગઈ છે.

પ્રદુષણ માફિયાઓએ ભાદર નદીને એટલી પ્રદૂષિત કરી નાખી છે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે દસ સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સામેલ કરી છે, હવે માફિયાઓ બીજી નદીઓને પ્રદુષિત કરવા લાગ્યા છે. જેમાં છાપરવાડી નદીકાંઠે આવેલ ગેરકાયદેસર ધોલાઈ ઘાટો, સોફર દ્વારા પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી નદીમાં છોડી દેવાતું હોવાથી તે પાણી છાપરવાડી ડેમમાં પહોંચે છે અને ડેમ તાલુકાના મેવાસા, કેરાળી, જાંબુડી, લુણાગરા, રબારીકા, જેપુર, નાના ભાદરા, મોટા ભાદરા જેવા આઠ ગામોના ખેડૂતોની 3650 હેક્ટર ખેતીની જમીનના સિંચાઈ માટે બનાવવામાં આવ્યો છે, પરંતુ ડેમ પ્રદૂષિત પાણીથી ભરાય જતો હોવાથી પાણી સિંચાઇને લાયક રહેતું નથી.

સાડી ઉદ્યોગના કારખાનેદારો માટે કરોડના ખર્ચે ભાટગામ ખાતે ધોલાઈ ઘાટ બનાવી આપ્યા છે છતાંય હજુ સુધી કારખાનાના માલિકો નિયમનું પાલન કરતા નથી, પ્રદુષણ ફેલાવવામાં યોગદાન આપે જ છે. જેમની સામે હજુ સુધી ક્યારેય કોઈ નક્કર પગલાં નથી ભરાયા માટે આવા એકમો સામે દંડ, ક્લોઝર જેવા પગલાં ભરવા, ખેડૂતોએ વળતર આપવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...