જેતપુર શહેરના અમરનગર રોડ પર આવેલી બરફના ગોલાની લારી કમ દુકાનેથી એક પરિવાર અને તેના મહેમાનોએ માવા મલાઈ ફ્લેવરના ગોલાની ડિશ ખાધા બાદ તમામ આઠેક લોકોને ફૂડ પોઇઝનિંગ થઈ ગયું હતું અને બધા જ ઝાડા ઉલટીની ફરિયાદ થઇ હતી અને તમામ સારવાર લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. કાળઝાળ ઉનાળાની મૌસમમાં લોકો ઠંડા પીણાં, શેરડીનો રસ, લીંબુ શરબત, બરફના ગોલા વગેરેથી ગરમીમાં રાહત મેળવવાની કોશિષ કરતા હોય છે અને આ આઇટમનો વેપાર કરતા વેપારીઓ, ફેરીયાઓ ઉનાળાના ચાર મહિનાની સીઝનમાં આખા વર્ષની કમાણી કરી લેતા હોય છે.
વેપારીઓ વેપાર કરી કમાણી કરે તેમાં કોઈને વાંધો ન હોય પરંતુ ઘણા વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય તેવી હલકી ગુણવત્તાનો કે વાસી માલ વાપરતા હોય છે. જેમાં બરફના ગોલાની ડિશમાં માવા, મલાઈ, ડ્રાયફૂટમાં મિલાવટ કરવામાં આવતી હોય છે. ૫૦ રૂપિયાથી માંડીને ૫૦૦ રૂપિયા સુધીનો ભાવ હોવા છતાં લોભવૃત્તિના વેપારીઓ ભેળસેળ કરી જ લેતા હોય છે.
જેતપુરમાં પણ આવી ભેળસેળવાળી બરફના ગોલાંની ડિશ ખાતાં રાજેશભાઇ દુધાત્રાના પરીવારને તેમજ તેમના મહેમાનને ફૂડ પોઇઝનિંગ થઈ ગયું હતું.આ અંગે રાજેશભાઇએ જણાવેલ કે, શહેરના અમરનગર રોડ પર આવેલ એક બરફના ગોલાંની રેકડી કમ દુકાનેથી તેમણે માવા મલાઈ ફ્લેવરની ગોલાંની આઠથી દસ જેટલી ડિશનો ઓર્ડર આપ્યો હતો અને બધાને થોડા જ સમયમાં ઝાડા ઉલ્ટી થવા લાગતાં હોસ્પિટલ દોડવું પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.