જેતપુર શહેરમાં પાઇપ લાઈન દ્વારા રાંધણ ગેસ વિતરણ માટેનો ડીઆરએસ પ્લાન્ટ સામાંકાંઠા વિસ્તારની આંગણવાડીના પરિસરમાં નાંખવામાં આવ્યો છે. આ પ્લાન્ટ પાસે આગ લાગવાના બનાવ વારંવાર બનતા હોવાથી આંગણવાડીના ભૂલકાઓના જીવ ઉપર જોખમમાં હોવાનું સ્થાનિકોએ ફરીયાદ કરી હતી. જો કે આજે બુધવારે પણ અહીં પરિસરમાં અાવેલા ઝાડી, ઝાખરામાં કોઇ કારણોસર અચાનક આગ લાગી હતી. નજીકમાં રહેતા લોકોએ ગેસ કંપનીને જાણ પણ કરી તેમ છતાં કોઇ કર્મચારી ડોકાયા જ નહીં. આથી લોકોએ જ દોડી જઇ, પાણી અને ફોમનો મારો ચલાવીને આગ બુઝાવવી પડી હતી.
રબારીકા રોડથી સામાંકાંઠા વિસ્તાર થઈ ગેસની પાઇપ લાઈન શહેરમાં નાખવામાં આવી છે. અને ત્યાં આવેલી આંગણવાડી પરિસરમાં જ શહેરમાં જુદીજુદી જગ્યાએ ગેસ દબાણથી વિતરણ કરી શકાય તે માટેનું ડિસ્ટ્રિકટ રેગ્યુલેટીંગ સ્ટેશન (ડીઆરએસ)નો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ પ્લાન્ટ પાસે બાવળના ઝાડી, ઝાંખરા હોય અને તેમાં કોઈ કારણસર વારંવાર આગ લાગ લાગવાના બનાવો બને છે.
જેમાંબુધવારે પણ ડીઆરએસ પાસે આગ લાગતાં સ્થાનિક રહેવાસી કુણાલભાઈ ગંગદેવે ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવેલ. ટોલ ફ્રી ઇમરજન્સી નંબર પર કેટલા પ્રયત્નો કર્યા છતાંય કોલ લાગ્યો જ નહીં. જેથી તેમના ઘરે ગેસ કનેક્શન ફિટ કરવા આવેલા કંપનીના કર્મચારીને કોલ કરી આગ લાગવાની જાણ કરી હતી. થોડીવાર બાદ કંપનીના કર્મચારીઓ એક ગાડી લઈને આવેલા હતા પરંતુ તેમની પાસે કોઈ અગ્નિશામક યંત્રો ન હતાં કે તેની પાસે નગરપાલિકાના ફાયર વિભાગનો ફોન નંબર પણ ન હતો.
જેથી સ્થાનિકોએ તેઓના ઘરેથી વાસણોમાં પાણી ભરી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા હતો. પરંતુ હજુ આગનો ધુમાડો ચાલુ જ હતો તેટલામાં સ્થાનિકોએ લોકલ મીડિયાને જાણ કરતા કંપનીના કર્મચારીઓએ અગ્નિશામક સિલિન્ડર કાઢીને આગ પર ફોમનો છંટકાવ શરૂ કરતાં સાથે જ સિલિન્ડર પૂરો થઈ ગયો. પરંતુ હજુ આગ ચાલુ જ હોવાથી ગેસ કંપનીના કર્મચારીઓએ પાવડો અને તગારું લઈ આગ પર ધૂળ નાંખીને કાબુ મેળવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.