જેતપુર શહેર-તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં હજુ સુધી ઓક્ટોબર મહિનાનો અનાજ પુરવઠો હજુ મળ્યો ન હોવાથી અસંખ્ય રાશનકાર્ડ ધારક ગરીબ-શ્રમિકોને દિવાળી તહેવાર ઉપર અનાજ વગર ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. ગરીબ-શ્રમિકો પણ પેટની જઠરાગ્નિ બે સમય ઠારી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય રાહત ભાવની દુકાનેથી સસ્તા ભાવે અનાજ વિતરણ કરવામાં આવે છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાકાળથી અમુક નિર્ધારિત કરેલો જથ્થો નિઃશુલ્ક આપવામાં આવી રહ્યો છે.
પરંતુ અધિકારીઓની ગોડાઉન સંચાલકો, દુકાનદારો સાથે મિલીભગતને કારણે દર મહિને અસંખ્ય ગ્રાહકો પુરવઠા વગર રહી જાય છે. એટલે આ શ્રમિકો-અંત્યોદયોનો પુરવઠો બારોબાર કાળા બજારમાં ચાલ્યો જાય છે. જેતપુર શહેરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે જેમાં શહેર-તાલુકાની ૭૫ જેટલી રાહતભાવની દુકાનોના ૩૧૨૮૫ ગ્રાહકોમાંથી અડધા ઉપરાંતના ગ્રાહકોને ઓક્ટોબર મહિનાનું અનાજ મળ્યું નથી.
ઓફલાઇનમાં વેચવા હુકમ નથી
સસ્તા અનાજના પુરવઠાની અછત અંગે પુરવઠા શાખાના મામલતદાર ખાનપરાને પૂછતાં તેઓએ જણાવ્યું કે, મામલતદારને પૂછો મામલતદાર ગીનીયાને પૂછતાં તેઓએ એવો જવાબ આપ્યો કે, માલ ક્યારે આવે ક્યારે વિતરણ કરવો તે પુરવઠા કચેરીનો વિષય છે, અમારો નહિ. અમે અમારી પાસે હજુ ઓક્ટોબર મહિનાનો પુરવઠો ઓફલાઇનમાં વેચવો તેવો કોઈ હુકમ આવેલ નથી.
પરવાનેદારો શું કહે છે?
દુકાનોના પરવાનેદારો કહે છે કે સરકારી ગોડાઉનેથી અનાજ પુરવઠો આપ્યો હોય તો ગ્રાહકોને આપીએ ને ! અમને 31 ઓક્ટોબર સુધી પુરવઠો મળ્યો જ નથી પરંતુ ગોડાઉન મેનેજરે પુરવઠો આપવાના પાસ કાઢી નાંખ્યા અને પુરવઠા શાખાએ પણ દુકાનદારોને ધમકાવીને 30 તારીખે આદેશ કર્યો કે ગમે તેમ ઓક્ટોબરનો પુરવઠો ઓક્ટોબરમાં જ વિતરણ કરી નાંખવો.
ગોડાઉન મેનેજર શું કહે છે?
પુરવઠા શાખાના સરકારી ગોડાઉનના મેનેજર રમેશ કુમારખાણીયાએ જણાવ્યુ કે ઓક્ટોબરમાં બાકી રહેેલા દુકાનદારોનું અનાજ 31 તારીખ બપોર પછી આવ્યું એટલે બપોર બાદ ગેટ પાસ ઇસ્યુ કરી દીધા હતાં. 15 દુકાનદારો પુરવઠાથી બાકી રહ્યા છે તેઓને પુરવઠો મળી જશે પરંતુ સરકાર ઓફલાઇન વિતરણ કરવાની મંજૂરી આપે તો જ તે પુરવઠો ગ્રાહકોને વિતરણ થઈ શકશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.