ક્રાઈમ:પુત્રીને આપઘાત કરવા મજબૂર કરી હોવાની પિતાની ફરિયાદ

જેતપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરાણે યુવાન પોતાના ઘરે ઢસડી ગયો હતો
  • શું મોં બતાવીશ ? એ ચિંતામાં એસિડ પી લીધું

જેતપુર પંથકના એક ગામની ૧૭ વર્ષિય સગીરાએ ગત સપ્તાહે એસિડ પીને કરેલા આપઘાતના બનાવમાં સગીરાને મોત માટે મજબુર કરવાનાં આરોપસર ગામનાં જ પરિચિત સગીર શખ્સ સામે મૃતકના પિતાએ ફરિયાદ કરતાં આ અંગે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ આરંભી છે.

બનાવની પોલીસ સુત્રોની વિગતો મુજબ ગત તા.૬નાં રોજ સગીરા ઘરેથી દૂધ લેવા જવાનું કહીને નીકળી હતી. સમય થઈ જવા છતાં પરત નહીં ફરતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. આરોપી સગીર શખ્સ સગીરાને પોતાના ઘરે બળજબરીથી રૂમમાં ખેંચીને લઈ ગયો હતો. પરિવાર શોધખોળ કરતો હોવાનો ખ્યાલ આવતાં સગીર શખ્સે સગીરાને રૂમમાંથી બહાર કાઢી મુકત કરી હતી.

બનાવના પગલે ગભરાયેલી કે હવે પરિવાર, સમાજ, સગાસ્નેહીઓમાં પોતાની બદનામી થશે તેવા વિચારોથી સગીરા ચિંતિત રહેતી હતી અને બે દિવસ બાદ એસિડ પીને આપઘાત કરી લીધો હતો. પુત્રીના મોત બાદ પિતા સતત વ્યથિત રહેતા હતા અને અંતે તેમણે યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.

સગીરાને આરોપીએ રૂમમાં પુરી દીધી હોય અને જે બાબતે સગીરાને લાગી આવતાં આવું પગલું ભરી લીધું હોવાથી સગીરાના પિતાએ પોતાની પુત્રીને મરવા માટે મજબૂર કર્યાના આરોપસર ગામનાં જ સગીર શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો. પિતાની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...