ગેરરીતિનો આક્ષેપ:પીપળવાના સરપંચને સસ્પેન્ડ કરવા પૂર્વ સરપંચની માગણી

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની લાઈનના કામમાં ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ

જેતપુર તાલુકાના જેતલસર પંથકના પીપળવા ગામના વર્તમાન સરપંચે ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી પાણીની લાઇનના કામમાં ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરી તેમને પંચાપત ધારાની કલમ 57(1) મુજબ સસ્પેન્ડ કરવા ગામના પૂર્વ સરપંચ ભરત સાવલિયાએ માંગ કરી છે અને આ અંગે ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા છે. જે-તે સમયે કરવામાં આવેલી રજૂઆત બાદ પણ ટીડીઓએ પગલાં લેવા માટે કોઇ રસ દાખવ્યો ન હતો, અાથી તેમની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી શકે છે. બાદમાં અન્ય અધિકારીઓને હકીકતથી વાકેફ કરવામાં આવ્યા છે.

પૂર્વ સરપંચે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વર્તમાન સરપંચ રાજેશ સાવલિયાએ વર્ક ઓર્ડરમાં દર્શાવેલી લંબાઈથી 300 ફૂટ જેટલી ઓછી પાઇપલાઇન નાખી છે. છતાં પણ તંત્ર દ્વારા કામ પુર્ણતાનું સર્ટિફિકેટ આપીને પૂરેપૂરું બિલ ચૂકવી દીધું છે. આ અંગે અગાઉ ટીડીઓને જાણ કરતા સરપંચે ભ્રષ્ટાચાર છુપાવવા ઘટતી પાઇપલાઇનનું કામ કરી દીધું છે તેવી કેફિયત આપી હતી. આ બાબતે જિલ્લા પંચાયત રાજકોટના કાર્યપાલક ઇજનેર નિષ્પક્ષ તપાસ કરે તો સત્ય બહાર આવશે.

સરપંચે ગુપ્ત રીતે માલ ખરીદ્યો

નિયમ મુજબ દરેક ગ્રામ પંચાયતોએ કામ રાખતી વખતે તેમાં વપરાતા માલ-સામાન માટે 3 અલગ અલગ વર્તમાનપત્રમાં જાહેરાત આપીને તંદુરસ્ત સ્પર્ધાત્મક ભાવ મેળવવા ફરજિયાત છે. જે નિયમનું અહીં પાલન થયું નથી. જેના માટે સરપંચ પોતે જ જવાબદાર ગણાય .આથી આ બાબતે ત્વરિત પગલાં લઈને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તે જરૂરી છે. > ભરત સાવલિયા, પૂર્વ સરપંચ

લાઇનની કામગીરી હજુ અધૂરી છે અને તે વર્ક ઓર્ડર મુજબ જ છે

પીપળવા ગામમાં 15માં નાણાપંચની ફાળવાયેલી ગ્રાન્ટમાંથી પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે અને તે અધુરી છે. હજુ થોડી કામગીરી કરવાની બાકી છે. જે કામ થયું છે તે નિયમ મુજબ તેમજ વર્ક ઓર્ડર મુજબ જ થયું છે. બાકી અરજી કરવા વાળા તો કર્યા કરે! > રાજેશ સાવલિયા, સરપંચ

અન્ય સમાચારો પણ છે...