પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાની હદ વટાવી દેતી તસવીરો ક્યારેક હ્રદયસ્પર્શી હોય છે. જેતપુરમાં શુક્રવારે એવી ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો કે જેમાં અમુક શખ્સો શ્વાનને બેરહેમીથી ફટકારી રહ્યા છે અને તેમાં છેલ્લે શ્વાનનું મોત થઇ જાય છે. આ વીડિયો વહેતો થતાં જીવદયાપ્રેમીઓએ આવા શખ્સોની ધરપકડ કરવાની માગણી કરતાં પોલીસ હરકતમાં આવી હતી અને શખ્સોની ઓળખ મેળવવાની તજવીજ આરંભી હતી તેમજ ત્રણ શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો.
જેતપુર શહેરના સારણ નદીના પુલ પાસે દેરડી રોડ પર આવેલ નાયરા પેટ્રોલ પંપની આગળ કોઈ અજાણ્યા શખ્સોએ શ્વાનને પથ્થર તેમજ લાકડી વડે મારતા હોઈ તેવા સીસીટીવી ફૂટેજ જાહેર થયા હતા અને ફુટેજમાં શ્વાનનું સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું દેખાઈ રહ્યું હતું આ વીડિયો જાહેર થતાં શહેરીજનોએ ફીટકાર વરસાવ્યો હતો અને પોલીસ એકશન મોડમાં આવીને આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ આદરી હતી.
બીજી તરફ સીટી પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને શ્વાનના મૃતદેહને ભાદર કાંઠે નગરપાલિકા કોન્ટ્રાક્ટર જયંતીભાઈ મુકી આવ્યા હોઈ તેમને સાથે રાખી શ્વાનના મૃતદેહનો કબ્જો લઇ અંતિમવિધિ કરાવી હતી. આ બનાવ અંગે જેતપુર સીટી પોલીસે શ્વાનની હત્યા કરનાર ત્રણ અજાણ્યા શખ્સ સામે કલમ 428, 114 હેઠળ ગુનો નોંધી હત્યા કરનાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.