જેતપુરના રેશમડી ગાલોર ગામે આજે સાંજે એક ટ્રાવેલ્સના ચાલકે આગળ મોટર સાયકલ પર જતાં દંપતીને અડફેટે લેતા પત્નીનું બસના ટાયર હેઠળ ચગદાઈ જતા સ્થળ પર જ મોત થયું હતું. તાલુકાના રેશમડી ગાલોર ગામે ગોરધનભાઇ ભલુ, તેમના પત્ની રસિલાબેન એક્ટિવા લઈને ભેડા પીપળીયાથી રેશમડી ગાલોર ગામે આવતા હતા ત્યારે ટ્રાવેલ્સની બસ ભેડા પીપળીયાથી જ એક્ટિવા પાછળ હતી અને સીંગલ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારના રોડ પર પુરપાટ ઝડપે એક્ટિવાની સાઇડ કાપી આગળ નીકળવા જતાં એક્ટિવાને અડફેટે લીધું હતું,
દંપતીને ઠોકર લાગતાં રસિલાબેન બસના આગલા ટાયરમાં આવી ગયા, છતાં ચાલકે બસ ઉભી ન રાખી, આથી રસિલાબેન પર બસના પાછલા ટાયર પણ ફરી વળ્યા અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગોરધનભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. ગ્રામ્ય વિસ્તારના રોડ પર ખનીજ ભરેલા ડંપર, ટ્રાવેલ્સ પુરપાટ ચાલતી હોવાથી ગામલોકો પહેલાંથી જ વિરોધ કરતા હતા, આજે દુર્ઘટના બનતાં લોકો સ્થળ પર એકઠા થઇ ગયા હતા, પથ્થરમારો કરી ટ્રાવેલ્સના કાચનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. ગ્રામજનોએ ટ્રાવેલ્સના માલિકને સ્થળ પર લાવો તો જ મૃતદેહ સ્થળ પરથી ઉપાડવા દેશે તેવું સ્થળ પર દોડી આવેલી પોલીસ સમક્ષ માંગ મૂકી હતી. નાસી ગયેલા ટ્રાવેલ્સ ચાલક, માલિક બંને પર પગલાં ભરવાની બાંહેધરી આપતા મૃતદેહ ઉપાડવા દીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.